________________
૪૫૪
અમૃત-સમીપે આ ઉપરાંત તેઓ અખિલ ભારતીય સ્થાનકવાસી યુવક મંડળ, મુંબઈ જીવદયા-મંડળી, જૈન મહામંડળ, નાણાવટી હોસ્પિટલ, રોટરી ક્લબ, નશાબંધીસમિતિ જેવી અનેક લોકોપયોગી સંસ્થા સાથે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટી, મંત્રી કે સભ્ય તરીકે જોડાઈને કાર્યસૂઝ અને સેવાવૃત્તિનો લાભ જનતાને આપતા રહે છે.
આવી એક ગુણિયલ, કાર્યદક્ષ અને ભાવનાશીલ વ્યકિતની મુંબઈના શેરીફ તરીકે વરણી થવી એ જેમ એમના પોતાને માટે તેમ જ જૈનસમાજને માટે ગૌરવની વાત છે, તેમ એ પદનું પણ ગૌરવ વધારે એવો પ્રસંગ છે.
(તા. ૯-૧-૧૯૭૧)
(૨૦) વ્યવહારદક્ષ, ધર્માનુરાગી શેઠ શ્રી કચરાભાઈ હઠીસિંગ
દાક્તરસાહેબ, ૮૩ વર્ષ જેટલી જિંદગી વીતી ચૂકી છે. હવે વધુ ન જિવાય એની ચિંતા નથી, પણ હવે જેટલો વખત જીવવાનું હોય તેટલો વખત શાંતિમાં અને પરમાત્માના ધ્યાનમાં જાય એવી કંઈક દવા આપશો” – શ્રી કચરાકાકાની જબાન તો બંધ થઈ ગઈ હતી; જીભ ઉપર કેન્સરને કારણે જીભનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પણ એમનાં મન અને બુદ્ધિ જાગૃત હતાં, એટલે મૃત્યુ આવ્યું એના થોડાક વખત પહેલાં જ એમણે ડૉક્ટરને ઉપરની મતલબની વાત પાટીમાં લખી જણાવી હતી.
અંતિમ ક્ષણે શેઠશ્રી કચરાભાઈએ કહેલી આ એક જ વાત તેઓના જીવન સાથે ધર્મ કેવી રીતે વણાઈને એકરૂપ બની ગયો હતો તે બતાવે છે. સાચો જૈન જીવન લાંબું મળે કે ટૂંકું એની ચિંતા ન કરે, પણ પોતાનું મરણ સમાધિપૂર્વક થાય એ જ એની ઝંખના હોય.
નાનપણમાં જ માતા-પિતાનો સ્વર્ગવાસ થતાં ઊગતી ઉંમરે જ તેઓની સામે અસહાય જેવી સ્થિતિ ઊભી થઈ હતી. વળી આજથી પોણોસો-એંશી વર્ષ પહેલાંના સમયમાં છોકરા-છોકરીઓને ભણાવવાની પ્રથા પણ બહુ ઓછી હતી. છોકરાને થોડું વાંચતાં-લખતાં આવડ્યું એટલે એ વેપાર કે નોકરીને લાયક થઈ ગયો એમ મનાતું.
કચરાભાઈનું ભણતર તો વધારે ન થયું, પણ એમનું ગણતર બહુ ઊંડું હતું; કોઠાસૂઝ અને હૈયાઉકલત પણ એમનામાં ઘણી હતી. કામ કરવામાં કે પરિશ્રમ વેઠવામાં પણ તેઓ ક્યારેય કંટાળતા નહીં. આત્મવિશ્વાસ પણ ઘણો હતો. એટલે ધીમે-ધીમે એમણે પોતાના ભાગ્યના પાંદડાને ફેરવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org