________________
શ્રી શાદીલાલજી જેને
૪૫૩
મળે છે. એમ કહી શકાય કે ભારતના પેન્સિલ-ઉદ્યોગના તેઓ પુરોગામી છે. આવી ઔદ્યોગિક નિપુણતા ધરાવતી વ્યક્તિ કેટલાય ઉદ્યોગો, વેપારી સંસ્થાઓ કે વેપારી મંડળોમાં ડિરેક્ટર તરીકેનો, ભાગીદાર તરીકેનો કે પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી તરીકેનો હોદ્દો શોભાવતા હોય એ સ્વાભાવિક છે.
પણ શ્રી શાદીલાલજીની જે નામના અને સમાજમાં તેઓ પ્રત્યે આદર અને બહુમાનની લાગણી પ્રવર્તે છે, તે તેઓની આવી ઔદ્યોગિક સફળતાને કારણે નહીં, પણ લોકોપકારવૃત્તિ, વિદ્યાપ્રીતિ અને સૌજન્યભરી ઉદારતાને કારણે. તેઓ જેટલો જીવંત રસ ઉદ્યોગોના વિકાસમાં લે છે એવો જ ઊંડો રસ વિદ્યાપ્રસારની પ્રવૃત્તિમાં અને સમાજ કલ્યાણનાં કામોમાં ધરાવે છે. એથી તેઓ સ્વચ્છતાપવિત્રતાપૂર્વક જાહેરસેવા અને વિદ્યાપ્રસાર કરતી સંખ્યાબંધ સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે ગાઢપણે સંકળાયેલા છે. બનારસના “પાર્શ્વનાથ શોધસંસ્થાન'ના તો શ્રી શાદીલાલજી અને તેઓના કાકા લાલા હરજસરાયજી પ્રાણ જ છે. વળી તેઓના પ્રત્યેક કાર્યમાં રાષ્ટ્રભાવનાની છાપ તો હોવાની જ હોવાની. રાજ્યસત્તા સાથે મીઠા સંબંધો બાંધી અને સાચવી જાણવાની તેઓની કુશળતા પણ પ્રશંસા માગી લે એવી છે.
એમની ધાર્મિકતા પણ અનોખી અને યથાર્થ છે. એમાં ક્યાંય સાંપ્રદાયિક કટ્ટરતા, કટુતા કે અંધશ્રદ્ધાનું યા માયા-દંભનું નામ પણ જોવા નહીં મળવાનું. તેથી જ એમના જીવનમાં સ્પષ્ટવાદિતાનો વિકાસ થયેલો જોવા મળે છે. તેઓએ સર્વધર્મસમભાવની વિશિષ્ટ દૃષ્ટિ પોતાના જીવનમાં કેળવી છે. જન્મ સ્થાનકમાર્ગી હોવા છતાં એમનામાં લેશમાત્ર પણ સાંપ્રદાયિક અભિનિવેશ નથી; અને સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી પ્રેરાઈને તેઓએ બધા ય જૈન ફિરકાઓ પ્રત્યે આદર અને મહોબ્બતની લાગણી કેળવી છે. તેઓની આવી ઉદાર અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિને કારણે જ તાજેતરમાં મુંબઈમાં ઊજવવામાં આવેલ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીના મુખ્ય સમારંભના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. આ બહુમાન તેઓની અનેકાંતદૃષ્ટિની કીર્તિગાથા બની રહે એવું છે.
કુટુંબની ખાનદાની, મિલનસાર ગુલાબી સ્વભાવ, કોઈનું પણ કામ કરી છૂટવાની વૃત્તિ, સાચી વાતનો સ્વીકાર કરવાની અને બીજાની ભૂલને ભૂલી જવાની ખેલદિલીને કારણે તેઓનું મિત્રો અને સ્નેહીજનોનું વર્તુળ બહુ મોટું છે. શ્રી પંજાબ જૈન ભ્રાતૃસભાના તેઓ પ્રમુખ છે. એ સ્થાને રહીને પંજાબીઓમાં ભાઈચારાની ભાવના કેળવવામાં તથા મુંબઈના પરા ખારમાં “અહિંસાભવન' ઊભું કરવામાં તેઓએ દાખલારૂપ કામ કરી બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org