________________
શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ
૪૧૯
વ્યક્તિ શક્તિશાળી અને સંસ્કારસંપન્ન બને એ દૃષ્ટિએ જ તેઓ દાન આપતા. તેથી કેળવણીની, જ્ઞાનપ્રચારની અને આરોગ્યની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓને જ તેઓ મોટે ભાગે દાન આપતા. તેઓ ધનનું એવું વાવેતર કરતા કે એનો લાભ દીર્ઘ કાળ સુધી સૌને મળતો રહે. માનવજાતની વિવિધ રીતે સેવા કરતી સંસ્થાઓને પણ એમની દાનપ્રીતિનો લાભ મળતો રહેતો.
આમ તો એમની દાનપ્રવૃત્તિનો આરંભ ૧૯૪૩ની સાલથી થયો હતો. આફ્રિકામાં લોકસેવાની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ માટે એમણે પચાસ લાખ રૂપિયા જેટલાં દાન આપ્યાં હતાં. ૧૯૫૪ની સાલથી એમણે ૫-૭ વર્ષના ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેળવણી-સંસ્થાઓ, પુસ્તકાલયો અને આરોગ્ય-સંસ્થાઓ માટે બે કરોડ જેટલી જંગી અને અસાધારણ ૨કમનું મોકળે હાથે દાન કર્યું; તેઓ ‘જગડૂશા’ કે ‘ભામાશા' તરીકે ઓળખાવા લાગ્યા.
કોઈ એમને અમુક લોકોને જ લાભ મળે એવી રીતે દાન આપવાની સલાહ આપતા તો તેઓ સ્પષ્ટ કહેતા કે આપણે કમાણી કરવામાં જો કોઈ નાતજાત કે વર્ણનો ત્યાગ નથી કરતા તો આપણી કમાણીનો લાભ આપતી વખતે એમને કેવી રીતે બાકાત રાખી શકાય ? કેવો ઉમદા, ઉદાત્ત, ઉદાર વિચાર !
શ્રી મેઘજીભાઈ આવા મોટા દાનેશ્વરી હોવા છતાં એમની પાસેથી દાન મેળવવું સહેલું ન હતું. નામનાની ખાતર કે બીજાની શેહશરમથી પ્રભાવિત થઈને તેઓ દાન ન આપતા. પોતાને ન રુચે એમાં તેઓ ભલભલાને ના પાડી દેતા; અને પોતાને રુચે એ કામ માટે સામે જઈને કે સામાને પોતાની પાસે બોલાવીને તેઓ પૂરતું દાન આપતા અને સામાની ભીડ ભાંગી નાખતા ! એમને તો સાચી જનસેવા દ્વારા પોતાના ધનને અને જીવનને કૃતાર્થ કરવું હતું.
મનમાં વસ્યું તો સને ૧૯૫૫માં શ્રી જવાહરલાલ નેહરૂને ઇન્દિરા ગાંધી સાથે (તેઓ પરદેશથી પાછા આવતા હતા ત્યારે) જામનગરમાં પોતાના આંગણે ચા-નાસ્તા માટે નોતરીને એક લાખ રૂપિયાનો ચેક કમળાનેહરૂ હૉસ્પિટલ માટે ભેટ આપ્યો; શ્રી નેહરૂ તો આવી ઉદારતા જોઈને અચરજ પામી ગયા. અને મનમાં ન વસ્યું તો શ્રી કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન માટે એમની પાસે આવવાનો સમય માગ્યો ત્યારે શ્રી મેઘજીભાઈએ પોતે જ એમની પાસે જઈને વિવેકપૂર્વક કહી દીધું કે તમારી યોજનામાં મારું કામ નહીં ! બેએક વર્ષ પહેલાં તેઓ સુરેન્દ્રનગરની સ્ત્રી-સંસ્થા વિકાસ-વિદ્યાલયમાં કોઈ ઉદ્ઘાટન માટે ગયા હતા. ત્યાં એમણે જાણ્યું કે સંસ્થાને દર વર્ષે ભારે નાણાંભીડ પડે છે. તરત જ બધી વિગતો જાણી લઈને દસ વર્ષ સુધી દર વર્ષે પચીસ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org