________________
શ્રી અમૃતલાલ દોશી
૪૩૯
આજથી છએક દાયકા પહેલાં સ્નાતકની (બી.એ.ની) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને તેઓ ભાગ્યને ખીલવવા માટે મુંબઈ જઈને વસ્યા. આ વસવાટથી એમને અઢળક ધન, પુષ્કળ યશ અને દાખલારૂપ સફળતા પણ મળી; અને રંગના ઉદ્યોગમાં દેશના એક મોટા ઉદ્યોગપતિ તરીકેની પ્રતિષ્ઠા પણ મળી. એક ઉદ્યોગપતિ તરીકે એમણે મેળવેલી સિદ્ધિઓની કથા આપણા દેશની નવી પેઢીને આપસૂઝ, જાતમહેનત, ક૨કસર, પુરુષાર્થ અને કર્તવ્યનિષ્ઠાના પાઠ શીખવે એવી છે.
શ્રી અમૃતલાલભાઈની વિદ્યાપ્રીતિ વિદ્યાપ્રવૃત્તિઓને કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પૂરતી અથવા તો પોતાના દાનથી શાળા-કૉલેજોની સ્થાપના કરવા પૂરતી જ મર્યાદિત ન હતી; એણે એમના પોતાનામાં પણ ઉત્કટ વિદ્યાપરાયણતા અને તત્ત્વજિજ્ઞાસા જન્માવી હતી.
આ જિજ્ઞાસા અને વિદ્યાપરાયણતાથી પ્રેરાઈને એક બાજુ એમણે વિદ્વાન સાધુમુનિરાજોનો, વિદુષી અને વિચા૨ક સાધ્વીજી-મહારાજોનો તથા જુદા-જુદા વિષયના જૈન-જૈનેતર વિદ્વાનોનો નિકટનો પરિચય કેળવ્યો હતો; બીજી બાજુ ધર્મશાસ્ત્રોનું યથાશક્ય જાતે અધ્યયન-અવલોકન કરવામાં પોતાના મનને સારા પ્રમાણમાં પરોવ્યું હતું. એમ કહેવું જોઈએ કે નવું-નવું જાણવાની ઝંખના અને એને પૂરી કરવા માટેની પ્રવૃત્તિ, એમના લાંબા સમયના નિવૃત્તિકાળને સુખ-આનંદપૂર્વક વ્યતીત કરવાના મોટા આધારરૂપ કે કેન્દ્રરૂપ બની ગઈ હતી. એમણે ‘જૈન સાહિત્ય-વિકાસ-મંડળ'ની સ્થાપના કરી તે આવી તીવ્ર વિદ્યાપરાયણતાને કારણે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં જુદા-જુદા વિદ્વાનોએ તૈયાર કરેલ અનેક ગ્રંથોનું પ્રકાશન કરીને પોતાનું નામ સાર્થક કર્યું છે.
શ્રી અમૃતલાલ શેઠની વિદ્યાપરાયણતાનો ઝોક કંઈક યોગવિદ્યા, યોગસાધના તથા મંત્ર-તંત્રની શોધ ત૨ફ વિશેષ હતો એમ લાગે છે. તેથી આ વિષયમાં એમણે સારી જાણકારી પ્રાપ્ત કરી હતી અને એ વિષયના કેટલાક ગ્રંથો પણ તૈયાર કરાવીને પ્રકાશિત કર્યા હતા. અઢળક સંપત્તિ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં આવી સક્રિય વિદ્યાપરાયણતા કેળવે, એ અતિ વિરલ યોગ ગણાય.
એ જ રીતે તેમની ધર્મશ્રદ્ધા પણ માત્ર ઉપરછલ્લી કે કહેવા પૂરતી ન હતી, પણ જીવન સાથે સારા પ્રમાણમાં એકરૂપ બની ગઈ હતી. એટલે તેઓ જેમ ધર્માત્મા મહાપુરુષો પ્રત્યે ખૂબ ભક્તિભાવ ધરાવતા હતા, તેમ ધર્મક્રિયાઓ તથા ધાર્મિક વિધિવિધાનો પ્રત્યે પણ ઘણો આદર અને અનુરાગ ધરાવતા હતા. પાલીતાણામાં શત્રુંજય મહાતીર્થની તળેટીમાં બનેલ વિશાળ અને અદ્ભુત આગમમંદિરની સાથે એમના તરફથી બનાવવામાં આવેલ ગણધર-મંદિર એમની ઊંડી ધર્મશ્રદ્ધાની સાક્ષી પૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org