________________
૪૩૭.
શ્રી ટ્રેડરમલજી
(૧૨) સેવાભાવી, ઠરેલ શ્રેષ્ઠી શ્રી ટોડરમલજી
મધ્યપ્રદેશ સિવાય બીજે બહુ ઓછા જાણીતા શિવપુરીનિવાસી શેઠશ્રી ટોડરમલજી એક જાજરમાન પુરુષ હતા. ભૂતપૂર્વ ગ્વાલિયર રાજ્યમાં તો તેઓ એક રાજમાન્ય પુરુષ લેખાતા, અને મહારાજા સિંધિયાના દરબારની માનવંતી વ્યક્તિઓમાં એમનું સ્થાન હતું.
સાદાઈ, ખડતલપણું, કરકસર, કાર્યનિષ્ઠા અને ધર્માભિરુચિ વગેરે અનેક ગુણોથી એમનું જીવન સુરક્ષિત બનેલું હતું. લીધું કામ સફળતાપૂર્વક પૂરું કરવાનો એમનો સ્વભાવ હતો; અને એમાં એમની કામ લેવાની કુનેહ, દીર્ઘદ્રષ્ટિ અને ચીવટ એમને બહુ સહાયક થતી.
શિવપુરી એ સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની નિર્વાણભૂમિ છે. એમના અગ્નિસંસ્કારના સ્થળે એક સુંદર સમાધિમંદિર ઊભું કરવામાં અને એ જ આચાર્યપ્રવરે શિક્ષણ પ્રત્યેની મમતાથી મુંબઈમાં સ્થાપેલ અને પાછળથી શિવપુરીમાં લઈ જવામાં આવેલ “શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળ” નામની કેળવણીની સંસ્થાનું વ્યવસ્થિત સંચાલન કરવામાં શેઠશ્રી ટોડરમલજીએ નિઃસ્વાર્થભાવે અને નિષ્ઠાપૂર્વક જે કામગીરી બજાવી છે તે ચિરસ્મરણીય બની રહેશે.
તેમને શ્રીમંતાઈ સહજ વરી હતી. વળી મળેલી શ્રીમંતાઈને અનેકગણી કરવાની આવડત અને સૂઝ પણ એમનામાં હતી. એમની વ્યવસ્થાશક્તિ પણ સૌનો આદર માગી લે એવી હતી. આવી-આવી અનેક શક્તિઓને લીધે જ તેઓ રાજમાન્ય અને લોકોના પણ આદરપાત્ર બની શક્યા હતા. જૈન સમાજના તો તેઓ શક્તિશાળી આગેવાન હતા.
તેઓ ગ્વાલિયર રાજ્યની આમસભાના, કાયદાસભાના અને પછી મધ્યપ્રદેશની ધારાસભાના સભ્ય હતા. શિવપુરી-મ્યુનિસિપાલિટીના, ઓસવાલ-સમાજના અને બજાર-કમિટીના પ્રમુખપદે રહીને એમણે જનતાની નોંધપાત્ર સેવા કરી હતી. તેઓને સત્તાને માટે પ્રયત્નો કરવા પડતા ન હતા, પણ એમની કાબેલિયત અને કામ કરવા-કરાવવાની આવડતને લીધે અનેક જવાબદારીવાળાં સત્તાસ્થાનો આપમેળે જ એમની પાસે પહોંચી જતાં. ગ્વાલિયર-રાજ્ય અનેક ખિતાબો આપીને એમની શક્તિ અને સેવાવૃત્તિનું બહુમાન કર્યું હતું.
વળી, મકાનોના બાંધકામની એમનામાં વિશિષ્ટ દૃષ્ટિ અને આવડત હતી. શિવપુરીની અનેક જંગી અને દર્શનીય સરકારી ઇમારતો એમની આ આવડત અને કામગીરીની યશોગાથા લાંબા સમય સુધી ગાતી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org