________________
४४४
અમૃત-સમીપે એમણે પહેલાં ૪૫ વર્ષ અન્ય સ્થાનોમાં અને છેલ્લાં ૪પ વર્ષ ભાવનગરમાં વિતાવ્યાં હતાં એને પણ કુદરતનો વિરલ સંકેત જ માનવો જોઈએ.
પોતાની કારકિર્દી વધુ ને વધુ યશસ્વી થતી જતી હોવા છતાં, એમના ધર્મસંસ્કારો એમને બધાથી અલિપ્ત રહેવાની અને જાગૃત રહેવાની પ્રેરણા આપતા રહેતા હતા. એટલે પોતાની ઉમર સાઠ વર્ષની થાય એ પહેલાં જ, સને ૧૯૪૪ના અરસામાં, પોતાના વ્યવસાયનો બધો ભાર એમના કાર્યદક્ષ સુપુત્ર શ્રી બકુભાઈને (શ્રી રમણિકભાઈને) સોંપીને પોતે નિવૃત્તિ લઈ લીધી અને એમ કરીને શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ સામે એક ઉત્તમ દાખલો રજૂ કર્યો.
પણ એમની આ નિવૃત્તિને અનેક શુભ અને લોકોપકારક પ્રવૃત્તિનું નિમિત્ત બનાવીને એમણે પોતાના જીવનને વધારે ઉચ્ચાશયી અને ધન્ય બનાવ્યું હતું.
શ્રી ભોગીભાઈએ સ્વરાજ્ય પહેલાં રાજકુટુંબની અને સ્વરાજ્ય પછી શાસકવર્ગની તથા પ્રજાની જેવી ચાહના મેળવી હતી એના કરતાં પણ વધુ ચાહના એમને ભાવનગરના સંઘની મેળવી હતી : ભાવનગર-સંઘના પ્રમુખનું સર્વમાન્ય પદ અને આદર એમણે મેળવ્યાં હતાં. ક્યાં ટીટોડા અને ક્યાં ભાવનગર સંઘના પ્રમુખપદનું ગૌરવ ! પણ જ્યાં સરળતા, સમતા, શાંતિ, મિલનસાર પ્રકૃતિ, કલ્યાણબુદ્ધિ અને નિઃસ્વાર્થ કર્તવ્યભાવના કામ કરતી હોય, ત્યાં મારાપરાયાપણાના ભેદ ભૂંસાઈ જાય છે અને માનવી સર્વજનપ્રિય બની જાય છે.
વળી તળાજા તીર્થની કમિટીનું અધ્યક્ષપદ સંભાળીને એ જીર્ણતીર્થને પ્રભાવશાળી બનાવવામાં શ્રી ભોગીભાઈએ જે જહેમત લીધી હતી, એની વિગતો તો એક યાદગાર ગૌરવકથા બની રહે એવી છે. એ જ રીતે જીંથરીની ક્ષયની હૉસ્પિટલ પણ ચિરકાળ સુધી એમની ગૌરવગાથા સંભળાવતી રહેશે એમાં શક નથી.
આપણા સ્વજનસમા આ મહાજન માટે શું લખીએ અને શું ન લખીએ ? છેવટે એમણે પાંચેક વર્ષ પહેલાં લખેલ “મારા જીવનનાં સંસ્મરણોમાંથી એમની થોડીક શિખામણની વાણી જોઈએ :
“મારા લગભગ સાત દાયકાના અનુભવના નિચોડરૂપે મારે આજની યુવાન પેઢીને એક જ શિખામણ આપવાની છે, અને તે એ કે કોઈ પણ કામ હાથમાં લ્યો, તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જજો અને સમયની કિંમત આંકજો. થાંથા માણસો આગળ આવી શકતા નથી એવો મારો અનુભવ છે.
મારો એવો અનુભવ છે કે આપણે જો કોઈનું બૂરું ન ઇચ્છીએ અને કોઈ આગળ વધતું હોય એ જોઈ રાજી થઈએ તો આપણા ઉપર ઈશ્વરની કૃપા થયા વગર રહેતી નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org