________________
શ્રી ભોગીલાલ મગનલાલ શાહ
૪૪૩
શ્રી ભોગીભાઈનું મૂળ વતન કલોલ પાસે ટીટોડા ગામ. પણ એમના પિતાશ્રી મગનભાઈ વ્યવસાય માટે ડીસામાં રહેતા હતા. એટલે એમનો જન્મ વિ. સં. ૧૯૪૩માં ડીસામાં થયો હતો. એમની માતાનું નામ દિવાળીબહેન હતું. તેઓ બહુ શાણાં, સમજુ, વ્યવહારદક્ષ, હેતાળ અને ઘ૨૨ખ્ખુ સન્નારી હતાં. શ્રી ભોગીભાઈને એક મોટા ભાઈ અને એક મોટાં બહેન હતાં. એમનું મોસાળ અમદાવાદમાં હતું. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી.
ડીસામાં તથા અન્ય સ્થાનોમાં રહીને એમણે અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો; પણ અભ્યાસમાં તેઓની ગતિ મંદ હતી, એટલે કંઈક પણ કામમાં પરોવાઈ જવાની ઇચ્છા એમના મનમાં જોર કરતી હતી. એમનો ભાગ્યયોગ પણ એક કુશળ મિલ-ઉદ્યોગપતિ થવાનો હતો, એટલે સંજોગો પણ કંઈક એવા મળ્યા કે પંદર વર્ષની ઉંમરથી જ પોતાના મામાના પ્રતાપે, એમને કાપડની મિલમાં કામ કરવાની તક મળી; શરૂઆત વીરમગામની મિલથી થઈ.
મિલના ક્ષેત્રમાં કામ કરતાં-કરતાં એમણે કારકૂન, વીવર, જોબર, વીવિંગમાસ્તર, મૅનેજર અને જનરલ મૅનેજર જેવાં એક-એકથી ચઢિયાતાં સ્થાનોએ ઊગતી ઉંમરે જ કામ કર્યું અને એમાં એવી સફળતા પ્રાપ્ત કરી કે જેથી સમય જતાં તેઓ બીજી મિલોના પણ સલાહકાર બન્યા હતા. વીવિંગ માસ્તર તરીકેની એમની કામગીરીએ તો એમને એટલો બધો યશ અપાવ્યો કે તેઓ ‘શ્રી ભોગીલાલ માસ્તર' તરીકે ઓળખાવા લાગ્યા.
આ રીતે જુદી-જુદી મિલોમાં જુદા-જુદા અધિકાર ઉપર કામ કરતાં ત્રણેક દાયકા વીતી ગયા અને આશરે પિસ્તાલીશ વર્ષની ઉંમરે એમનો ભાગ્યયોગ એમને ભાવનગર ખેંચી ગયો, અને સને ૧૯૩૨ના અરસામાં એમણે મહાલક્ષ્મી મિલ શરૂ કરી. આ મિલના ડાયરેક્ટરોના બોર્ડના ચેરમેન શ્રેષ્ઠિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈ બન્યા હતા એ બીના જ આ મિલની પ્રતિષ્ઠા અને સધ્ધરતાની સાક્ષી પૂરે છે.
આ મિલે ખૂબ નફો મેળવીને એના શૅરહોલ્ડરોનું ખૂબ હિત સાચવ્યું; તેથી શ્રી ભોગીભાઈની કાર્યદક્ષતા અને પ્રામાણિકતાની ઘણી નામના થઈ. તેઓ મિલના કામદારોના હિતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા; એને લીધે પણ એમની મિલ ઘણો નફો કરી શકી હતી.
શરૂઆતનાં છ-સાત વર્ષ સુધી મહાલક્ષ્મી મિલને પગભર બનાવવા ઉપર જ પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું, અને જ્યારે આ બાબતમાં નિશ્ચિતતા થઈ ત્યારે એમણે ભાવનગરના અને સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં, કલ્યાણબુદ્ધિથી ભાગ લેવાની શરૂઆત આશરે સને ૧૯૩૮થી કરી. આ પછી એમણે બેએક વર્ષે, સને ૧૯૪૦માં, ‘માસ્ટર સિલ્ક મિલ' ભાવનગરમાં શરૂ કરી; એમાં પણ તેઓને ઘણી સફળતા મળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org