________________
શ્રી સોહનલાલજી ગડ
૪૩૩
સારમાણસાઈ, સેવાપ્રિયતા અને ઉદારતાના બળે તેઓ, દાનેશ્વરીઓના ય શિરોમણિ કહી શકાય એટલી બધી દાનધર્મની ‘લબ્ધિ’ હાંસલ કરી શક્યા હતા.
તેમણે કરેલ નાની-મોટી અસંખ્ય સખાવતોની ૨કમોનો સ૨વાળો તો તેઓની પોતાની પાસે પણ નહીં હોય. કોઈ એને કરોડથી વધારે કહે, કોઈ ઓછો કહે, એમાં સાચું શું એ નક્કી કરવાનું શક્ય નથી; એની જરૂર પણ નથી. તેઓએ દાનેશ્વરીઓના ય શિરોમણિ જેવી નામના મેળવી હતી તે સખાવતોના આંકડાઓને લીધે નહીં, પણ દાન પાછળની એમની સમભાવી વિશિષ્ટ મનોવૃત્તિને કારણે. બાકી આંકડાની દૃષ્ટિએ તો એમની સખાવતોને વટી જાય એવા કંઈક સખીદિલ મહાનુભાવો આપણા દેશમાં થઈ ગયા અને વર્તમાનમાં પણ મળી આવવાના.
શ્રી દૂગડજીની દાનપ્રિયતાની એક વિશેષતા એ હતી કે મેઘ જેમ મારા-તારાના ભેદ વગર સર્વત્ર સમાનભાવે વસે છે, તેમ તેઓની ઉદારતા પણ જ્યાં-ક્યાંય લોકકલ્યાણનું કે પ્રાણીદયાનું સારું કામ થતું દેખાયું, ત્યાં વગર કહ્યે વરસી પડતી; એમાં પછી પંથ, સંપ્રદાય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, પ્રાંત એવા કોઈ ભેદ એમને રોકી કે સ્પર્શી શકતા નહીં. એમની દાનવીરતાની બીજી વિશેષતા એ હતી કે તેઓ ક્યારેય દાનના બદલામાં નામના કે કીર્તિ ૨ળવાનો સોદો ક૨તા ન હતા, અને લાખોની ૨કમોનું દાન પણ સાવ અનાસક્તભાવે ક૨વાને ટેવાયેલા હતા; એટલું જ નહીં, પોતાની પાસેના ધનનું દાન કરીને તેઓ જાણે પોતાના ઉપરથી કંઈક ભાર ઓછો થયો હોય, એવાં સંતોષ, શાંતિ અને આનંદ અનુભવતા હતા. શ્રી દૂગડજીનો ભાગ્યયોગ ભલે એક ધનપતિનો હતો, છતાં પૂરું અકિંચનપણું એમના અંતરમાં વસેલું હતું.
તેથી જ તો પોતે એક સારા શ્રીમંત હોવા છતાં, એમનો વેપાર વાયદાનો હોવાને કારણે, ક્યારેક વેપારમાં ન કલ્પી શકાય એવી નુકસાની જતી એવે વખતે કે અન્ય વિષમતામાં પણ મોટી સખાવત કરવાના પોતાના મનોરથોને પૂરા કરવા માટે તેઓએ ભાગ્યે જ મૂંઝવણ અનુભવી હતી કે પોતાના સમત્વને ગુમાવ્યું હતું; પછી, આવી પડેલ આર્થિક સંકટ વખતે, પોતે પહેલાં કરેલ દાન માટે વિમાસણ કે પસ્તાવો કરવાની તો વાત જ કેવી ? સારા કામમાં સામે ચાલીને બને તેટલી વધારે સહાય આપીને રાજી થવું, અને જે કંઈ આપવું એ ઉપકાર કરવાની બુદ્ધિથી નહીં, પણ નિજાનંદની ખાતર જ આપવું એ શ્રી દૂગડજીની દાનવૃત્તિની દાખલારૂપ વિરલ વિશિષ્ટતા હતી.
આ રીતે દાનધર્મીપણું એ શ્રી દૂગડજીનો મુખ્ય કે આગળ પડતો ગુણ હતો એ સાચું છે, પણ એ ઉપરાંત એમના જીવન અને કાર્યમાં તાણાવાણા રૂપે વણાયેલા બીજા સદ્ગુણો પણ જાણવા જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org