________________
શ્રી લાલચંદજી ઢઢ્યા
. ૪૨૩ જીવન અને વ્યવહાર ઉપર વિસ્તરી રહેતી. હલકો વિચાર, હલકી વાણી કે હલકું વર્તન એમને ક્યારેય ખપતાં ન હતાં, કે ઉદાસીનતા, નિરાશા કે ખિન્નતા પણ એમને સ્પર્શી શકતી ન હતી; જ્યારે જુઓ ત્યારે તેઓ કંઈક ને કંઈક પણ સત્કાર્ય કરવાની પ્રવૃત્તિ કે વિચારણા કરતા જ હોય. આ બધું એમને મળેલ કે એમણે જીવનમાં પ્રગટાવેલ વિશિષ્ટ ગુણસંપત્તિનું જ પરિણામ કહી શકાય. તેઓ જ્યાં બેઠા હોય ત્યાં આપમેળે જ એમનો પ્રભાવ વિસ્તરી રહેતો, અને છતાં ય પોતે બીજાઓ કરતાં મોટા કે ચડિયાતા દેખાવાનો તેઓ ક્યારેય પ્રયત્ન ન કરતા. સૌની સાથે રહીને અને સૌને પોતાની સાથે રાખીને, લીધેલ કાર્યને કે સ્વીકારેલ ધ્યેયને પૂરું કરવાની એમની આવડત દાખલારૂપ બની રહે એવી હતી.
એમને દેખતાં જ માણસ પ્રભાવિત થાય એવું જાજરમાન એમનું વ્યક્તિત્વ હતું, એમની ભાષામાં પણ સામાને વશ કરી લે એવું ઓજસું હતું, એમના કથનમાં હંમેશાં લીધેલ કાર્યને પૂરું કરવાના નિશ્ચયનો રણકો સંભળાતો; અને એ બીજાઓને પણ પ્રોત્સાહિત કરતો. ક્યારેક ડંખ વિનાનો નિર્મળ ઉપહાસ પણ એમની વાણીમાં વ્યક્ત થતો.
આમ તો શ્રી ઢઢાજી વિલાયતી ઉપચારની દવાઓના બહુ મોટા વેપારી હતા. પણ એમની વેપાર ખેડવાની નીતિરીતિને લીધે એમની “ઢઢ્યા એન્ડ કંપની' નામની પેઢીની નામના દેશમાં તેમ જ વિદેશમાં ખૂબ થઈ. પેઢીનો સમગ્ર કારોબાર, કોઈ અંગ્રેજ પેઢીની ઢબે, એકદમ સુવ્યવસ્થિત અને ધોરણસર ચાલ્યા કરતો, તે શ્રી ઢઢાજીના નિપુણ સંચાલનને લીધે જ. દેશ-વિદેશ સાથે વેપાર-સંબંધી ધરાવતી આ પેઢીના કારોબારની ઝીણામાં ઝીણી બાબત ઉપર શ્રી ઢઢાજીની ચકોર દૃષ્ટિ હંમેશાં ફર્યા જ કરતી. આને લીધે એમની પેઢીનું નામ અને કામ ખૂબ ઉજ્જવળ અને ગૌરવશાળી બન્યું હતું. વિશેષ ખૂબીની વાત તો એ છે, કે જેમ શ્રી ઢઢાજીએ કોઈ પણ જાતના આડંબર વગર અનેક ગુણોને સહજ રીતે પોતાના જીવન સાથે વણી લીધા હતા, તેમ આટલી મોટી પેઢીના સફળ સંચાલનનો પોતાના ચિત્ત ઉપર જરા ય ભાર અનુભવ્યા વગર બધું કામકાજ એવી કાબેલિયતથી અને સમય તથા શક્તિને સાચવીને કરતા હતા કે જ્યારે જુઓ ત્યારે નવરાશવાળા જ લાગે ! જાહેરસેવાના કાર્યમાં પૂરતો સમય આપવામાં એમણે ક્યારેય કૃપણતા બતાવી ન હતી.
આમ થવાનું મુખ્ય કારણ એમના જીવન સાથે એકરૂપ બની ગયેલો જાહેરસેવાનો રસ જ કહી શકાય. જનસેવા પ્રત્યેની એમની ઊંડી પ્રીતિ અને એવી સેવાપ્રવૃત્તિઓને પહોંચી વળવાની ભાવના અને શક્તિનો વિચાર કરતાં તો વગર અતિશયોક્તિએ એમ જ કહેવું જોઈએ કે શ્રી ઢઢાજી જન્મજાત નેતા હતા. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org