________________
૪૦૧
અમૃત-સમીપે સાદું જીવન ને ઊંચા આચાર-વિચાર એ શ્રી અમૃતલાલ શેઠના જીવનનો સાર છે. જૂની પેઢી અને નવી દષ્ટિના એ સમન્વયકાર છે. નવી દૃષ્ટિને અપનાવવા છતાં એની બદીઓથી એ મુક્ત છે. સ્વજીવન અને લોકજીવનને ઉપકારક થાય એટલો જ અંશ તેઓ નવી દૃષ્ટિમાંથી અપનાવે છે. જાતમહેનત, નિયમિતતા, ખડતલપણું, કર્તવ્યનિષ્ઠા અને કરુણાપરાયણતા તરફ એમને એટલી મહોબ્બત છે કે એને લીધે ભોગવિલાસ, મોજમજા કે સુંવાળાપણાને એમના દિલમાં અવકાશ જ નથી મળતો.
સને ૧૮૮૯માં, ઐતિહાસિક ઑગસ્ટ મહિનાની ૨૯મી તારીખે એમનો જન્મ. એમની જ્ઞાતિ ખડાયતા વાણિયાની; ધર્મે તેઓ વૈષ્ણવ. તે કાળમાં એમણે વાણિજ્ય અને વકીલાતના સ્નાતકની (બી. કોમ. અને એલએલ.બી.ની) બેવડી પદવી મેળવેલી. વાણિજ્યના સ્નાતક બનીને તેઓ દરેક બાબતની ઝડપી ગણતરીમાં કાબેલ બન્યા, કાયદાના સ્નાતકપદે એમને દરેક બાબતે ઝીણવટપૂર્વક સમજવાની અને એના સારાસારનો ત્વરિત તાગ મેળવવાની વિરલ શક્તિ આપી. શ્રી અમૃતલાલ શેઠના આશરે અડધા સૈકાના સેવાપરાયણ જાહેર-જીવનને યશસ્વી બનાવવામાં આ કાબેલિયત અને શક્તિએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે એમ કહેવું જોઈએ.
વકીલ થયા પછી એમણે કેટલોક વખત ભાઈશંકર કાંગાની સોલિસિટરની જાણીતી પેઢીમાં કામ કર્યું. પણ એમના પિતાને સાચ-જૂઠની ભેળસેળવાળા આ ધંધામાં પુત્ર પડે એ ન રુચ્યું. ભાવનાશીલ પુત્રે તરત જ પિતાની ધર્મભાવનાને માથે ચડાવી, અને કાબેલ વકીલ તરીકેનો ધીકતી કમાણીનો ધંધો મૂકીને એ પિતાની પેઢીમાં બેસવા લાગ્યા. બુદ્ધિ, શક્તિ, નિષ્ઠા, તમન્ના અને હિંમત હતી; એમાં ભાગ્યે યારી આપી. શ્રી અમૃતલાલ શેઠ મોટા વેપારી બની ગયા, અને છેવટે એક નામાંકિત ઉદ્યોગપતિ તરીકેની કીર્તિને વર્યા. લક્ષ્મીમાતાની એમના ઉપર કૃપા વરસી અને તેઓ મોટા ધનપતિ બન્યા.
પણ સંપત્તિની છોળો ન એમને અભિમાની બનાવી શકી, ન વિલાસ તરફ દોરી શકી; ન એમની સાદાઈને સ્પર્શી શકી, કે ન એમની ધર્મપ્રિયતાને ડગાવી શકી. પોતાની જાત માટે કરકસર અને લોકસેવા માટે ઉદારતા એ એમનો જીવનસિદ્ધાંત બની ગયો. આપણને એ જાણીને નવાઈ લાગે કે લક્ષ્મીમાતાના આવા લાડકવાયા પુરુષ ઉનાળામાં હવા ખાવા માટે કોઈ વૈભવશાળી અને ખર્ચાળ પર્વતપ્રદેશ (હિલસ્ટેશન) પસંદ કરવાને બદલે, ગુજરાતના સીમાડે અરબી સમુદ્રના કિનારે આવેલું દહાણું એવું ગામ પસંદ કરે છે ! થોડેથી કામ સરતું હોય તો મોટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org