________________
૪૧૭
અમૃત-સમીપે કેમ રુચે ? થોડા જ વખતમાં શ્રી મેઘજીભાઈ જથ્થાબંધ માલના વેપારી બની ગયા. આમ સાતેક વર્ષ ચાલ્યું, અને આફ્રિકામાં એક કુશળ વેપારી તરીકે શ્રી મેઘજીભાઈની ગણના થવા લાગી.
પણ શ્રી મેઘજીભાઈની કુશાગ્રબુદ્ધિ અને અપાર શક્તિને માટે આટલું ક્ષેત્ર પૂરતું ન હતું ; કુદરત પણ જાણે એમને ક્યાંની ક્યાં દોરી જવા માગતી હતી ! તેઓ પોતે પણ માત્ર વેપારમાં જ ખંતી ન રહેતાં પોતાની દૃષ્ટિને ચોમેર ફેરવતા રહેતા હતા. ગરુડ જેમ પોતાની તીવ્ર દૃષ્ટિથી દૂરદૂરના નિશાનને પારખી શકે છે, એમ શ્રી મેઘજીભાઈ પણ ભવિષ્યની દૂરદૂરની શક્યતાને તરત પારખી લેતા.
ક્રાંતિના સટ્ટામાં જેમ દીર્ઘદ્રષ્ટિ અને ભવિષ્યનું સ્પષ્ટ દર્શન જોઈએ, તેમ ઉદ્યોગના ખેડનારમાં પણ પોતે ખેડવા ધારેલ ઉદ્યોગના ભાવિનું સ્પષ્ટ દર્શન કરવાની શક્તિ જોઈએ; એ ન હોય તો વિવાહને સ્થાને વરસી બની જાય ! ઉદ્યોગનું ભાવિ પારખવાની શ્રી મેઘજીભાઈની શક્તિ અદ્દભુત હતી.
સાતેક વર્ષ જથ્થાબંધ વેપારમાં કાઢતાં-કાઢતાં એમણે અર્થવિકાસનાં અનેક ક્ષેત્રો પારખી લીધાં; અને સને ૧૯૨૯માં, જીવનની પહેલી પચીસીના ઉંબરે, એમણે પોતાના કાબેલ હાથે અનેક વેપાર-ઉદ્યોગોની એક સુંદર અને ટકાઉ ફૂલગૂંથણી રચી દીધી. શ્રી મેઘજીભાઈએ આફ્રિકાની પેદાશોની નિકાસ શરૂ કરી અને પરદેશી ચીજોની આયાત પણ કરવા માંડી. નાના-મોટા કેટલાય ઉદ્યોગોને એમણે હસ્તગત કર્યા, ખેતીવાડી ક્ષેત્રનું પણ ખેડાણ કર્યું. આટલું ઓછું હોય એમ, શરાફી, બેંકિંગ અને ધીરધારનું નાણાકીય તંત્ર પણ ઊભું કર્યું ! કાબેલ સેનાપતિ જે કુશળતાથી રણક્ષેત્રમાં પોતાની સેનાનું સંચાલન કરે એમ તેઓ સાવ સહજ રીતે આ બધી પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરતા. પચીસ વર્ષની ભરયુવાન વયે શ્રી મેઘજીભાઈ આફ્રિકાના એક નામાંકિત શાહસોદાગર બની ગયા !
આવી ઝળકતી સફળતામાં શ્રી મેઘજીભાઈની કુશાગ્રબુદ્ધિ, કાબેલિયત અને ઊંઘ કે આરામની ખેવના કર્યા વગર કામ કરવાની ખડતલ વૃત્તિએ જેટલો ભાગ ભજવ્યો છે, એટલો જ ભાગ બિનવિલાસી, સાદી અને સરળ જીવનદૃષ્ટિએ, પ્રામાણિકતાએ અને સચ્ચરિત્રશીલતાએ ભજવ્યો છે. તેઓ કહેતા કે માનવીએ પોતાનો વિકાસ કરવો હોય તો રોજ ૧૫-૧૬ કલાક કામ કરવાની ટેવ પાડવી જોઈએ. જે દેશના બધા લોકો રોજ કમ-સે-કમ દશ કલાક કામ કરે છે તે જ પ્રગતિ કરી શકે છે. સખત મહેનત અને ઝડપી નિર્ણયશક્તિ એ ઉન્નતિની મુખ્ય ચાવી છે. સાથે-સાથે તેઓ એમ પણ માનતા કે માણસને આગળ વધારવામાં પુરુષાર્થ ૪૯ ટકા અને પ્રારબ્ધ પ૧ ટકા ભાગ ભજવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org