________________
४०८
અમૃત-સમીપે ગુજરાતની એ વિશેષ ખુશનસીબી છે કે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને શેઠશ્રી અમૃતલાલ હરગોવિંદદાસ જેવા બે મોટા ઉદ્યોગપતિઓ, ધનપતિઓ અને કુશાગ્ર બુદ્ધિવાળા સમર્થ આગેવાનો દૂધ-પાણીની જેમ કે એક જ સિક્કાની બે બાજુઓની જેમ એકરૂપ બનીને ગુજરાતનો વિકાસ કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. બંનેએ મહાત્મા ગાંધી અને સરદારસાહેબનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો, અને રાષ્ટ્રીય આઝાદીની લડત દરમિયાન લડતના અર્થતંત્રને સંભાળવામાં ખૂબ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
એક સાચાબોલા અને આખાબોલા આગેવાન તરીકે શ્રી અમૃતલાલ શેઠની ખૂબ નામના છે. કોઈથી ડરવું નહીં, સાચી વાત કહેતાં ખમચાવું નહીં અને વિવેક ચૂકવો નહીં – એ એમની વિરલ વિશેષતા છે. મોટા-મોટા રાજદ્વારી પુરુષોને પણ તેઓ અતિસહજ ભાવે ન ગમતી કડવી વાત કહી શકે છે. તેમની ગણના એક કાબેલ મુત્સદ્દી તરીકે જરૂર થઈ શકે; પણ એમની મુત્સદ્દીવટ મેલી નહીં, પણ કલ્યાણગામી હોય છે. કોઈ આપણને મૂર્ખ બનાવી જાય નહીં એ માટે સજાગ અને ચકોર રહેવું અને પોતાની વાત કુનેહપૂર્વક રજૂ કરવી – એ જ એમની મુત્સદ્દીવટનો અર્થ છે.
ધર્મપરાયણ અને ધર્મનિયમોથી સુરભિત એમનું જીવન છે. તેમાં દેવદર્શન, તીર્થયાત્રા અને દાનપુણ્યને ચોક્કસ સ્થાન છે. દુઃખિયાનાં દુઃખ દૂર કરવામાં તેઓ આનંદ અનુભવે છે. થોડા જ વખત પહેલાં એમને ક્ષયના દર્દીઓ માટે સેનિટોરિયમ બાંધવા બે લાખ રૂપિયાનું દાન કર્યું; અને છતાં અભિમાન કે કીર્તિની આકાંક્ષાનું નામ નહીં. શ્રી અમૃતલાલ શેઠ એક સાચા વૈષ્ણવજન છે. વળી જાણે સમયને પારખી લીધો હોય એમ થોડા વખત પહેલાં જ તેઓએ પોતાના ઉદ્યોગના વિશાળ પથારાને સંકેલી લીધો, અને પૂરી નિવૃત્તિ મેળવી લીધી.
(તા. ૧૨-૧૨-૧૯૯૪)
(૪) નિર્ભેળ રાષ્ટ્રવાદી ઉધોગપતિ શેઠ શ્રી
અંબાલાલ સારાભાઈ
કેટલીક વાર સાંપ્રદાયિકતાના રંગે રંગાયેલી ધાર્મિકતાથી તેમ જ ધાર્મિકને નામે ઓળખાતાં બાહ્ય ક્રિયાકાંડો, વિધિવિધાનો અને આડંબરોથી અળગા રહેનારા અને વખત આવ્યે કડવું સત્ય કહી તેમ જ આચરી બતાવનાર વ્યક્તિનું અંતર માનવતાતરફી અને સત્યગામી સાચી ધાર્મિકતાથી સુરભિત હોય છે; છતાં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org