________________
૪૧૦
અમૃત-સમીપે ગાંધીજી જેવા મોટા પુરુષને ખરા અણીને વખતે મોટી રકમની સહાય આપવા છતાં એની જાહેરાતથી સર્વથા દૂર રહેવામાં આનંદ માનનાર, છબીઓ પડાવવાના વ્યામોહથી સદા અળગા રહેનાર, પોતાને રુચે એવાં કાર્યોમાં સામે જઈને સહાય કરવા છતાં જાહેર-જીવનથી અલિપ્ત રહેનાર, મોટા ભાગે પોતાના તરફથી કોઈ પણ જાહેર સેવાની સંસ્થાની સ્થાપના ન કરવા છતાં, પોતાની અનોખી ઢબે, પોતાને ગમતી સેવા-સંસ્થાઓમાં અને સેવા-પ્રવૃત્તિમાં ચૂપચાપ હંમેશાં સહાય આપનાર આ વ્યક્તિનું અંતર નામનાની કામનાથી કેવું અલિપ્ત અને નિજ આનંદમાં સંતુષ્ટ હશે એનો ખ્યાલ આવી શકે છે.
શ્રી અંબાલાલ શેઠ જૈન હતા; એટલું જ નહીં, એક સમયે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી જૈનસંઘની સુપ્રસિદ્ધ સંસ્થાના વહીવટદાર પણ હતા. પણ ભવિતવ્યતાને યોગે, જૈનસંઘ સાથેનો એમનો સંબંધ વિચ્છિન્ન થઈ ગયો હતો. આ દુઃખદ પ્રસંગને લીધે શ્રી અંબાલાલ શેઠને જે કંઈ હાનિ થઈ હોય તે ઉપરાંત જૈનસંઘને પણ કંઈ ઓછી હાનિ થઈ નથી. આવા-આવા પ્રસંગોએ જ આપણી સમતામૂલક ધર્મભાવનાની અને વ્યાપક અનેકાંતદષ્ટિની કસોટી થાય છે. પણ સમજુ, શાણી અને સમભાવી આગેવાનીના અભાવને કારણે આપણે અનેક પ્રસંગોએ આવી કસોટીમાં નાકામિયાબ નીવડ્યા છીએ, અને સારા માણસોની ભલી લાગણી ગુમાવી બેઠા છીએ! પણ આ તો બધી બાહ્ય દેખાવની અને વર્તનની વાત થઇ; પણ શ્રી અંબાલાલ શેઠના અંતરમાં ધર્મ પ્રત્યેની જે પ્રીતિ હતી તે તો કાયમ જ હતી.
તેમણે પોતાનાં સંતાનોના શિક્ષણ સંસ્કાર માટે જે તકેદારી રાખી હતી તે પણ નોંધપાત્ર લખી શકાય એવી છે. વળી તેઓ પોતે ભલે જાહેર જીવનથી દૂર રહ્યા, એમનાં ભાવનાશીલ અને સેવાભાવી ધર્મપત્ની શ્રીમતી સરલાબહેને જાહેર સેવાઓની અનેક સંસ્થાઓ સાથે નિકટનો સંબંધ કેળવીને જાણે એનું સાટું વાળી દીધું હતું.
આવા એક યશસ્વી ઉદ્યોગપતિ અને રાષ્ટ્રપ્રેમી મહાનુભાવના ગત ૧૩મી જુલાઈના રોજ, ૭૮ વર્ષની ઉમરે થયેલ સ્વર્ગવાસથી દેશને એક શાણા અને સાચા સગૃહસ્થની ખોટ પડી છે.
(તા. ૫-૮-૧૯૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org