________________
૪૦૪
અમૃત-સમીપે પણ જ્યારે આ વિચાર કેશુભાઈના જાણવામાં આવ્યો ત્યારે તેઓએ એનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, અને વધારામાં એમ પણ કહ્યું કે “જો આ કાર્ય કરવાનો આગ્રહ રાખવામાં આવશે તો હું બહાર ચાલ્યો જઈશ.” આવી નિર્મોહવૃત્તિ આજે કેટલી બધી દુર્લભ બની ગઈ છે !
એમની છેલ્લી માંદગીમાં પણ તેઓએ કાયાની માયા કે આળપંપાળ કરવાને બદલે, ઉત્તરોત્તર વધતા જતા – અસહ્ય બનતા જતા – દર્દને જે શાંતિથી સહન કર્યું અને ઓછામાં ઓછી દવાઓના સામાન્ય ઉપચારથી – અને તે પણ મુખ્યત્વે પોતાના કુટુંબીઓ અને સ્વજનોને રાજી રાખવા ખાતર – સંતોષ માન્યો, તે બીના પણ તેઓ સંસારભાવ પ્રત્યે કેવા ઉદાસીન હતા, એમની લેગ્યા અને આત્મપરિણતિ કેટલી નિર્મળ હતી અને એમનું જીવદળ કેટલી ઉચ્ચ કોટિનું હતું એ વાતનો ખ્યાલ આપે છે.
આશરે ચારેક મહિના અગાઉ – દિવાળી પહેલાં – તેઓ બીમાર થયા અને દર્દ વધુ ને વધુ ચિંતાકારક બનતું ગયું. દરમિયાનમાં એમના મોટા પુત્ર, અમદાવાદના ભૂતપૂર્વ લોકપ્રિય મેયર શ્રી નરોત્તમભાઈ ઝવેરીનું એકાએક અવસાન થયું. આ કંઈ નાનો-સૂનો આઘાત ન હતો, છતાં તેઓ એને સ્વસ્થતાથી સહન કરી રહ્યા; પણ એમનું પોતાનું દર્દ વધતું ગયું. છતાં શ્રી કેશુભાઈએ તો પોતાના બંગલામાં રહીને જ ઉપચાર કરાવવાનો આગ્રહ રાખ્યો.
મોટા પુત્ર શ્રી નરોત્તમભાઈના સ્વર્ગવાસની શોકજનક ઘટના બન્યા પછી તેઓએ આચાર્ય શ્રી દુર્લભસાગરસૂરિજી ઉપર તા. ર૯-૧૦-૧૯૭૮ના રોજ સૂરત જે પત્ર લખ્યો હતો એમાં તેઓની ભવ્ય સમજણનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે :
- “મારા પુત્ર નરોત્તમભાઈએ, આસો વદિ દસમના ગુરુવારના રોજ, વિવેકાનંદ હૉસ્પિટલમાં, ત્યાં હાજર રહેલા શ્રાવક-શ્રાવિકાના સંઘ વચ્ચે, તેમના જણાવ્યા મુજબ સાધુ-સમાજને નિજામણાપૂર્વક, બપોરે ૪-૧૫ મિનિટે દેહ છોડ્યો છે. આપણને તેનો વિયોગ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ તેની છેલ્લી ગતિએ તે જીવની ગતિ ઘણી ઉચ્ચ થઈ છે.” (નિજામણું – સર્વને હૃદયથી ખમાવવા તે)
આવું આત્મલક્ષી, સ્વાનુવભવરૂપ અને પ્રતીતિકર જ્ઞાન જેમને લાગ્યું હોય, તે ધર્માત્મા પુરુષની મહત્તાને આપણે કેવી રીતે પામી શકીએ ?
(તા. ૨૪-૨-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org