________________
૩૯૪
અમૃત-સમીપે
જાદુવિદ્યાના એક સિદ્ધહસ્ત જાણકાર તરીકે શ્રી કે. લાલનું નામ, એમના મનોરંજક અને અદ્ભુત પ્રયોગોને લીધે, દેશભરમાં સારી રીતે જાણીતું છે; અને હવે તો એમની કળાની નામના વિદેશમાં પણ પહોંચી ગઈ છે. તાજેતરમાં થયેલ એમના બે પ્રકારના બહુમાનને લીધે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
અમેરિકાના આંતરરાષ્ટ્રીય જાદુગરોના મંડળનું (‘ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઑફ મૅજિશિયન્સ' નામે સંસ્થાનું) અધિવેશન ગયા ઑગસ્ટ મહિનામાં બેંગલોરમાં મળ્યું હતું. એ વખતે શ્રી કે. લાલે પણ પોતાના પ્રયોગો બતાવ્યા હતા. એમના પ્રયોગોની અગાઉ કહેલી અનેકવિધ વિશિષ્ટતાઓ(બહુમુખી બાહ્ય શોભા, જાદુગરની પ્રતિભાની મધુરતા અને અસાધારણ ઝડપ)થી આકર્ષાઈને જાદુગરોની આ સંસ્થાએ શ્રી કે. લાલને ‘વિશ્વના સૌથી મહાન અને સૌથી ઝડપી જાદુગર' તરીકેની પદવી અર્પણ કરી છે. અમે એક ભારતીય કળાકારના આવા આંતરરાષ્ટ્રીય બહુમાનની નોંધ લેતાં ખૂબ હર્ષ અને ગૌ૨વની લાગણી અનુભવીએ છીએ, અને શ્રી કે. લાલને હાર્દિક અભિનંદન આપીએ છીએ.
આનંદજનક બીજો પ્રસંગ છે એ છે કે શ્રી કે. લાલ આવતા જાન્યુઆરી માસમાં પોતાના પ્રયોગો બતાવવા માટે જાપાન જવાના છે. પોતાની વિશિષ્ટ કળાના પ્રતાપે તેઓ જાપાનમાં કે તે પછી બીજે જ્યાં પણ જશે ત્યાં પોતાની ગૌરવભરી કારકિર્દીમાં નવી-નવી યશકલગીઓ ઉમેરતા રહેશે એમાં શક નથી.
પોતાના દેશનું ગૌરવ શ્રી કે. લાલના હૈયે કેટલું બધું વસેલું છે એનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે. બે-ત્રણ વર્ષ પહેલાં તેઓ પરદેશમાં મધ્યપૂર્વના કુવૈત વગેરે દેશોમાં પોતાના પ્રયોગો બતાવવા ગયા હતા. ત્યાં વ્હેરીન નામનું એક નાનું સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય છે. શ્રી કે. લાલ પોતાના પ્રયોગો દેખાડવા ત્યાં ગયા. તેઓ ‘વૉટર ઑફ ઇન્ડિયા' (ભારતનું પાણી) નામે એક પ્રયોગ કરે છે. વ્હેરીનના રાજાએ આ પ્રયોગને ‘વૉટર ઑફ વ્હેરીન' નામ આપવા કહ્યું. શ્રી કે. લાલ પોતાના દેશના ગૌરવને ઝાંખું પાડવા તૈયાર ન હતા. પેલો રાજા પણ નમતું મૂકવા તૈયાર ન હતો. વાત મમતે ચડી. છેવટે એ રાજાએ તરત જ પોતાનો દેશ છોડી જવાનો હુકમ કર્યો. એમ કરવા જતાં, બીજાઓ સાથે થયેલ કરાર મુજબ, બેએક લાખ રૂપિયા જેટલું નુકસાન વેઠવું પડે એમ હતું; પણ શ્રી કે. લાલે જરા ય ખમચાયા વગર એ સ્વીકારી લીધું અને ભારતના પાણીની પ્રતિષ્ઠા સાચવીને પોતાનું પાણી બતાવી આપ્યું ! આવા દેશના ગૌરવસમા કળાકારને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે.
Jain Education International
-
For Private & Personal Use Only
(તા. ૨-૧૧-૧૯૬૮)
www.jainelibrary.org