________________
૩૯૮
અમૃત-સમીપે જૈનસંઘનું આવું સુકાનીપદ એમની બહુવિધ શક્તિ અને પ્રવૃત્તિનું એક મહત્ત્વનું પાસું છે એટલું જ; એ સિવાય પણ તેઓ પોતાની ઔદ્યોગિક કાબેલિયત, દેશનાં કામોમાં પણ ઊલટપૂર્વક ભાગ લેવાની ધગશ, કેળવણીનો વિસ્તાર કરવાની આગવી દૃષ્ટિ અને પ્રવૃત્તિ, તેમ જ સંકટ-સમયે બહુજનસમાજની સેવા કરવાની ભાવનાને લીધે દેશનું અને સમાજનું જે કાર્ય કરી રહ્યા છે, એ પણ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવું સમૃદ્ધ અને પ્રશંસનીય છે.
કાપડની મિલોના સંચાલનના તો તેઓ પૂરા નિષ્ણાત છે. પોતા હસ્તકની કંપનીઓના હિસ્સેદારોનું હિત જરા ય ન જોખમાય અને એમને વધુમાં વધુ નફો મળે એ માટે તેઓ પૂરી ચીવટ રાખે છે. કાપડ ઉપરાંતના એમણે હાથ ધરેલા અન્ય ઉદ્યોગોમાં પણ એમણે એવી જ સફળતા મેળવી છે. ખર્ચની અને નફા-નુકસાનની ગણતરી કરવાની એમની શક્તિ અજબ છે. બીજાઓ ઉપર વિશ્વાસ રાખીને બેસી રહેવાને બદલે જાતે કામ કરીને જાતઅનુભવ મેળવવાની એમની ટેવ છે. આને લીધે તેઓ દેશ ઉપરાંત વિદેશોમાં પણ, એ ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ પામ્યા છે.
એમની આવી શક્તિઓનો લાભ ભારતની સરકાર પણ અવારનવાર લેતી રહે છે. દેશમાં કોઈ તપાસ સમિતિ રચવી હોય કે વિદેશમાં કોઈ પ્રતિનિધિમંડળ મોકલવું હોય, તો સરકારનું ધ્યાન સહેજે શેઠ તરફ જાય છે. આવાં સંખ્યાબંધ સ્થાને રહીને તેઓએ અનેક રાષ્ટ્રોપયોગી કામો કર્યા છે. કંડલા બંદરની સ્થાપના અને એના વિકાસની કથા શેઠશ્રીની કાર્યશક્તિની યશોગાથા બની રહે એવી છે.
એ જ રીતે તેઓએ કેળવણીના વિસ્તારમાં ઘણો મોટો હિસ્સો આપ્યો છે, અને એ માટે પોતા હસ્તકનું દાન પણ લાખો રૂપિયા આપ્યું છે. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી સ્થપાયેલ, ગુજરાતના ગૌરવ સમું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તેઓની ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના અધ્યયન-સંશોધન પ્રત્યેની પ્રીતિની સાક્ષી પૂરે છે. અને દુષ્કાળ, જળ-પ્રલય જેવાં સંકટો વખતે તો તેઓ આદર્શ મહાજન તરીકે સંકટનિવારણ માટેની પ્રવૃત્તિમાં ગૂંથાઈ જાય છે.
“ભલું કરો, ભલું થશે” એવી કલ્યાણકર સમજણ અને પ્રવૃત્તિને લીધે તેઓએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કર્યાં હતાં, અને દેશ-વિદેશના અનેક નામાંકિત માણસો સાથે દોસ્તી કે મીઠા સંબંધો કેળવ્યાં હતાં. સ્વરાજ્ય પ્રાપ્તિ પછી પણ પોતાની શુભનિષ્ઠા, તલસ્પર્શી, મર્મસ્પર્શી, વ્યાપક બુદ્ધિ, તેમ જ શેહ કે સંકોચ અનુભવ્યા વગર સાચી સલાહ આપવાની ટેવને લીધે તેઓ આપણા વડાપ્રધાન નેહરૂનો તેમ જ સરકારનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org