________________
શ્રી કસ્તૂરભાઈ
૩૯૭. આ બધા પ્રસંગો તેઓની વિચક્ષણતા, સમયજ્ઞતા અને સંઘકલ્યાણની ઉત્કટ તમન્નાનું સૂચન કરે છે. શ્વે. મૂર્તિપૂજક સંઘ ઉપરાંત અન્ય ફિરકાના જૈનસંઘો સુધી તેમનો પ્રભાવ વિસ્તર્યો છે.
અને એમના હાથે થયેલા પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધારો તો જૈન તેમ જ ઇતર તીર્થોના જીર્ણોદ્ધારાના ઇતિહાસમાં આદર્શ અને અનુકરણીય લેખાય એવા છે. રાણકપુર, કુંભારિયા, આબુ, ગિરનાર અને તારંગા તીર્થના જીર્ણોદ્ધાર અને શત્રુંજય તીર્થમાં થઈ રહેલ કળામય નવસર્જન જોઈને એના માર્ગદર્શકની સ્થાપત્યસૂઝ અને અંતરની ધગશ માટે ખૂબ-ખૂબ બહુમાન અને પ્રશંસાની લાગણી જાગી ઊઠે છે.
જૈનસંઘનાં તીર્થોના અને બીજા હકોના જતન માટે તેઓ સદા જાગૃત રહે છે. પેઢીનો વહીવટ ભવિષ્યમાં પણ વ્યવસ્થિત રીતે ચાલતો રહે એ માટે તેઓએ, દીર્ધદષ્ટિ વાપરીને, નવી નિયમાવલી પણ તૈયાર કરાવી આપી છે. આપણા સંઘને આવા શાણા, સમર્થ અને સમયજ્ઞ સુકાની મળ્યા છે, તે સંઘની ખુશનસીબી છે. ' (૧૯૭૦ સુધીમાં) પૂરી અરધી સદી તેઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી જૈનસંઘની ભારતવ્યાપી સંસ્થાના સુકાની રહ્યા છે. પોતાના આ કાર્યકાળ દરમિયાન પોતાની હૈયાઉકલત, કાર્યશક્તિ અને તીણબુદ્ધિના બળે આપણા ધર્મ અને સંઘને પજવતા અથવા એનાં હીર અને તેજને હણતાં કેવા-કેવાં અટપટાં આંતર-બાહ્ય પ્રશ્નો કે સંકટોનો કેવી કુશળતા અને સફળતા સાથે નિકાલ કર્યો છે! આ બધી વિગતો તો જૈન સંસ્કૃતિની મહાન પ્રભાવના કરનાર આપણા પ્રતાપી પૂર્વજોની પંક્તિમાં શેઠશ્રીને અગ્રસ્થાન અપાવે એવી છે. તેમાં ય શેઠશ્રીએ પોતાની આવી સમુક્વલ કારકિર્દી પછી, જનસમૂહની પૂરી અનિચ્છા છતાં, પોતાની મેળે નિવૃત્ત થઈને તો એના ઉપર સુવર્ણકળશ ચડાવ્યો છે !
શેઠશ્રીએ તો સાવ સહજપણે અને ચિત્તના ઉલ્લાસપૂર્વક નિવૃત્તિનો સ્વીકાર કર્યો છે. પણ દાયકાઓથી એમના માર્ગદર્શન અને સલાહસૂચન મુજબ કાર્ય કરવા ટેવાયેલા આપણા સંઘને માટે એમની નિવૃત્તિ વસમી લાગ્યા વગર નથી રહેવાની. અલબત્ત, આમાં આપણે એટલું આશ્વાસન જરૂર લઈ શકીએ, કે અણીને વખતે તેઓની સેવાવૃતિ, કાબેલિયત અને કાર્યસૂઝનો લાભ જૈનસંઘને અવશ્ય મળતો રહેવાનો.
જેની સાથે જીવન અને પ્રવત્તિ તાણાવાણાની જેમ એકરૂપ બની ગયેલાં, તેવી પેઢીના પ્રમુખપદેથી (તેમ જ અન્ય સંસ્થાઓના સત્તાસ્થાનેથી પણ) તેઓ આટલી સહજ રીતે અળગા થઈ શક્યા, એનું મુખ્ય કારણ એ કે કોઈ પણ સત્તાસ્થાનને તેઓએ ક્યારેય મોટાઈ મેળવવાના કે સ્વાર્થ સાધવાના મોહક પગથિયારૂપ નહીં, પણ મોટી જવાબદારીરૂપ જ માન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org