________________
૩૮૮
અમૃત-સમીપે
જૈનધર્મના પાયામાં રહેલી ઉદારતાને પ્રગટ કરવાની સાથે, અન્ય ધર્મોની ઉદાત્ત ભાવનાને પણ વાચા આપે છે. મતલબ કે વ્યાપક ધર્મની ભાવનાને, સર્વધર્મસમભાવની દૃષ્ટિને તથા માનવતાની વૃત્તિને પ્રોત્સાહન મળે એવી મંગલકારી ઊર્મિથી પ્રેરાઈને તેઓ પોતાનાં કાવ્યોની રચના કરે છે. સાથે-સાથે સમાજકલ્યાણ અને રાષ્ટ્રભક્તિનાં કેટલાંક સુંદર ગીતોની પણ એમણે ભેટ આપી છે ઃ આ એમની નોંધપાત્ર વિશેષતા છે.
“એમની ગીત-સંગીતકળાનો વિશેષ લાભ જૈન સમાજ લેતો રહેતો હોવાથી એમની કૃતિઓ જૈન વિષયને લગતી વધારે હોય એ સ્વાભાવિક છે. આમ છતાં આ કૃતિઓ સાંપ્રદાયિક સંકુચિતતા, કદાગ્રહ કે ઝનૂનથી સર્વથા મુક્ત હોવાને કા૨ણે, જૈન સમાજની જેમ, ઇતર સમાજોના શ્રોતાઓ પણ એનો આસ્વાદ લેવા પ્રેરાય છે.”
શ્રી શાંતિભાઈનાં ગીતો ઉપર તથા એમની સંગીતવિદ્યા ઉપર સુભગતા અને કલ્યાણદૃષ્ટિની જે આભા પ્રસરેલી અનુભવાય છે, તે એમના શાંત જીવન અને ગુણગરિમાથી શોભતા વ્યક્તિત્વને આભારી છે, એ તરફ આંગળી ચીંધતાં પ્રસ્તાવનાલેખક સૂચવે છે : “શ્રી શાંતિભાઈની કવિતા-રચનાનો પટ ઉદારતા અને સમદ્રષ્ટિના તાણાવાણાથી વિશેષ સમૃદ્ધ અને શોભાયમાન બની શક્યો છે તેનું મુખ્ય કારણ, મારી નમ્ર સમજ મુજબ, એમનું ઉમદા જીવન અને ઉદાત્ત વ્યક્તિત્વ છે. ક્લેશ-દ્વેષની વૃત્તિઓ અને ક્રોધ વગેરે કષાયો કાબૂમાં રહે એ માટે તેઓ યથાશક્ય જાગતા રહે છે. સાદાઈ, સદાચાર, સમભાવ જેવા સદ્ગુણો એમને સહજ રીતે મળેલા છે; શાંતિ એ એમનો સ્થાયી ગુણ છે. એ રીતે એમણે પોતાના નામને સાર્થક કરી બતાવ્યું છ એમ કહેવું જોઈએ. અને સ્વસ્થતા તો શ્રી શાંતિભાઈની જ... એમની આ સ્વસ્થતા જોઈને મને તો ઘણી વાર પ્રશ્ન થાય છે કે એમની ગીત-સંગીતની કળા વધે કે સ્વસ્થતા ?....... આ રીતે જે વ્યક્તિનું જીવન ગુણગરિમાથી સાત્ત્વિક બન્યું હોય, એની સુભગ છાયા એની કાવ્યકૃતિઓમાં પડ્યા વગર કેવી રીતે રહે ? સાઠ વર્ષ કરતાં ય વધુ ઉંમરે પહોંચવા છતાં શ્રી શાંતિભાઈ પોતાની કળામાં અને પોતાના જીવનમાં જે તાજગી દાખવી શકે છે, તે એમની આ ગુણસમૃદ્ધિના કારણે જ.”
શ્રી શાંતિભાઈનાં ગીતો માનવતામૂલક ધાર્મિકતા, સંસ્કારિતા, ઉદારતા, સમતા અને ગુણવત્તાનાં પોષક અને સાત્ત્વિક છે અને એમની સંગીતકળા અન્તરતમને સ્પર્શીને આત્મભાવને જાગૃત કરે એવી સજીવ છે. આવા ગીતસંગીતકાર જૈનસમાજમાં થયા એ જૈનસમાજને માટે ગૌરવની વાત છે. એમના જેવા ળાકા૨થી એમની જન્મભૂમિ ખંભાત શહેર પણ ધન્ય બનેલ છે.
(તા. ૨-૬-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org