________________
૩૭૪
અમૃત-સમીપે
એ જ રીતે એમણે નાટક-નાટિકાઓના સર્જનમાં પણ પોતાની કલમનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.
અને આટલું જ શા માટે ? વર્તમાનપત્રના એક સિદ્ધહસ્ત કટારલેખક તરીકે પણ શ્રી જયભિખ્ખુભાઈ ભારે યશસ્વી નીવડ્યા હતા. પોતાના જીવનનિર્વાહની ચિંતા માતા સરસ્વતીને સોંપીને, આ સરસ્વતીના ભક્તે ચારેક દાયકા પહેલાં પોતાની કલમનો કસબ અજમાવવાની શરૂઆત અમદાવાદમાંથી પ્રગટ થતા ‘જૈનજ્યોતિ' સાપ્તાહિકની ઑફિસ સાથે જોડાઈને જ કરી હતી. એટલે વર્તમાનપત્રોને અનુરૂપ લખાણો લખવાની ફાવટ એમને શરૂઆતથી જ હતી એમ કહી શકાય. આગળ જતાં એમણે અમદાવાદના ‘સંદેશ' પત્રમાં ‘ગુલાબ અને કંટક' નામે કટાર શરૂ કરી, જે ખૂબ લોકપ્રિય નીવડી હતી. તે પછી એમણે અમદાવાદના જ બીજા દૈનિક ‘ગુજરાત સમાચાર'માં ‘ઈંટ અને ઇમારત' નામે નવી કટાર શરૂ કરી, જે અસાધારણ કહી શકાય એટલી બધી લોકપ્રિય નીવડી, અને એણે વિશાળ વાચકવર્ગના અંતરમાં શ્રી જયભિખ્ખુ પ્રત્યે ઊંડી પ્રીતિ અને ભક્તિની લાગણી જન્માવી. એમાં આવતી પ્રસંગકથાની તો વાચકો ખૂબ ઉત્સુકતાપૂર્વક રાહ જ જોતા હોય છે.
વળી ‘ગુજરાત સમાચાર'-કાર્યાલય તરફથી પ્રગટ થતા બાળકોના સાપ્તાહિક ‘ઝગમગ'માં નિયમિતપણે પહેલે પાને પ્રગટ થતી એમની વાર્તાનો રસ બાળકો ઉપરાંત પ્રૌઢો પણ સમાન રીતે જ માણે છે. શ્રી જયભિખ્ખુભાઈએ બાળકો, સ્ત્રીઓ કે પ્રૌઢાઓને ઉદ્દેશીને લખેલું સાહિત્ય તે દરેક વર્ગ હોંશે-હોંશે વાંચે છે એ બીના એની સરસતા, આકર્ષકતા અને લોકપ્રિયતાનો પ્રત્યક્ષ પુરાવો બની રહે છે.
કેન્દ્ર સરકારે તથા પ્રાદેશિક સરકારે સંખ્યાબંધ પારિતોષિકો અર્પણ કરીને ગુજરાતના ગૌરવ સમા આ સર્જક વિદ્વાનની યોગ્ય કદર કરી છે એનો નિર્દેશ કરતાં આનંદ થાય છે.
વળી, જૈન ધર્મના ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક કથાસાહિત્યમાંથી કથાવસ્તુની પસંદગી કરીને એમણે અનેક નવલકથાઓ, સંખ્યાબંધ નવલિકાઓ અને કેટલીક નાટિકાઓ રૂપે બુદ્ધિગમ્ય અને સર્વજનભોગ્ય શૈલીમાં જે નવસર્જન કર્યું છે, એ તો સાચેસાચ અપૂર્વ છે. શ્રી જયભિખ્ખુની આ કૃતિઓ તેમ જ બીજી સંખ્યાબંધ કૃતિઓ પણ એમની કલ્પનાશીલતા, મૌલિક સર્જકશક્તિ અને પોતાના વાચકને રસતરબોળ કરીને પોતાની સાથે ખેંચી જવાની આગવી કલાસૂઝની સાક્ષી પૂરે એમ છે. પોતાની આવી વિશિષ્ટ કલાસૂઝને કારણે તેઓએ જૈન કથાસાહિત્યને લોકપ્રિય અને સર્વજનભોગ્ય બનાવવામાં જે અસાધારણ ફાળો આપ્યો છે, તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org