________________
૩૮૩
શ્રી જયશંકર સુંદરી'
(૩) સજજન, ધર્મપરાયણ નટશ્રેષ્ઠ
શ્રી જયશંકર “સુંદરી'
જેઓ નાટકો જોવાના રસિયા છે, તેવા ગુજરાતીઓ સુંદરી’ના ઉપનામધારી શ્રીયુત જયશંકરભાઈના નામથી સુપરિચિત છે. આ યુગના જે શ્રેષ્ઠ નટો છે કે થઈ ગયા તેમાં શ્રી જયશંકરભાઈનું સ્થાન આગળ પડતું છે. છેલ્લાં બાવીસ વર્ષથી શ્રી જયશંકરભાઈ પોતાની નટ તરીકેની કામગીરીથી નિવૃત્ત થવા છતાં ગુજરાતની રંગભૂમિને સમૃદ્ધ બનાવવાના મનોરથો સેવે છે; એટલું જ નહીં, પણ એ માટે નિઃસ્વાર્થભાવે, કોઈ પણ જાતના આર્થિક લાભથી દૂર રહીને, દિન-રાત પ્રયત્ન કર્યા કરે છે. પાંસઠ વર્ષ જેટલી પાકટ ઉંમરે પણ નિરાશા નહીં સેવતાં પોતાના મનોરથોને આગળ ને આગળ વધારી રહ્યા છે – એ બીના કોઈ પણ વ્યક્તિના અંતરમાં શ્રી જયશંકરભાઈ પ્રત્યે આદરમાનની લાગણી પેદા કરે છે.
ત્રણ દાયકા જેટલા લાંબા સમય સુધી નાટકની લપસણી દુનિયામાં રહેવા છતાં, એક યશસ્વી અને શ્રેષ્ઠ નટ તરીકેની ઝળહળતી કીર્તિ સંપાદન કરવા છતાં અને તેમાં ય પાછું સ્ત્રી-પાત્રો દ્વારા જ પોતાની નિપુણતા દાખવવા છતાં – આમ અનેક પ્રલોભનો કે માયાવી પ્રસંગો વચ્ચે પણ – પોતાના જીવનને શીલસંપન્ન રાખવું અને સદાચાર, નીતિ કે પ્રામાણિકતાના માર્ગેથી ચલિત ન થવા દેવું એ તો દોરડા ઉપર ચાલવા જેવું કઠણ કામ ગણાય. આ દુનિયામાં અપરસમાં જ નહીં, પણ અપલક્ષણમાં પણ તણાઈ જવું એ સ્વાભાવિક વાત છે; છતાં આત્મસંયમના મુશ્કેલ કામમાં પણ શ્રી જયશંકરભાઈ સફળ થઈ શક્યા એ હકીકત એમના પ્રત્યે વિશેષ આદર ઉત્પન્ન કરે છે.
આવા એક સજ્જન અને ધર્મપરાયણ નરશ્રેષ્ઠનું તાજેતરમાં (તા. ૨૮-૩૧૯૫૪ના રોજ) અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ, તેમને સને ૧૯૫૧નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરીને જે બહુમાન કર્યું છે તે બહુ ઉચિત થયું છે એમ અમે માનીએ છીએ; અને આ પ્રસંગે શ્રી જયશંકરભાઈની કળા અને સજ્જનતાને જે અંજલિ આપવામાં આવી તેમાં અમે અમારો સાથ પુરાવીએ છીએ.
- શ્રી જયશંકરભાઈ જ્ઞાતિએ ભોજક છે; અને ભોજક જ્ઞાતિ સાથે જૈનસંઘનો જૂનો અને ઘનિષ્ઠ સંબંધ છે એ બહુ જાણીતી વાત છે. યતિ-સંસ્થાએ જૈનસંઘની રક્ષામાં અથવા જૈન સંસ્કૃતિની જાળવણીમાં જેમ નોંધપાત્ર ફાળો આપ્યો છે, તે જ રીતે ભોજક ભાઈઓએ પણ અનેક રીતે જૈનધર્મની સેવા કરી છે, જે આજે પણ ચાલુ છે.
નાટકને જ પોતાનો પ્રિય વિષય માન્યા છતાં શ્રી જયશંકરભાઈને જૈનધર્મ ઉપર ભારે પ્રેમ અને આસ્થા છે એ બીના તો તેમણે નિવૃત્ત થયા પછી, થોડાંક વર્ષો પહેલાં જે ઉપધાન જેવી આકરી તપસ્યા કરી હતી તે ઉપરથી પણ સાબિત થાય છે.
(તા. ૩-૪-૧૯૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org