________________
૩૭૦
- અમૃત-સમીપે રીતે રજૂ કરનારું બનતું. જીવનનાં ઠરેલપણા અને ઠાવકાઈની આભા એમની કૃતિઓ ઉપર પણ વિસ્તરી રહેતી. દોષમુક્ત ભાષા, દોષમુક્ત વાક્યરચના, વિરામચિહ્નોમાં પણ ભૂલ ન આવી જાય એની સાવચેતી – શ્રી ચુનીભાઈના સાહિત્યસર્જનની આવી-આવી વિશિષ્ટતાઓ દાખલારૂપ બની રહે એવી છે. સાહિત્યના કે ઇતિહાસના કોઈ મુદ્દાની છણાવટ વખતે શ્રી ચુનીભાઈ જે ચોકસાઈ, તટસ્થતા, પ્રમાણભૂતતા, સપ્રમાણતા, ચીવટ અને સત્યશોધક તેમ જ ગુણગ્રાહક દૃષ્ટિ રાખતા તે તો ખરેખર અતિવિરલ હોવાની સાથે ચિરકાળ સુધી માર્ગદર્શક બની રહે એવી છે. સામાજિક કે ક્યારેક રાષ્ટ્રીય પ્રશ્નોની એમની છણાવટ પણ એવી જ મર્મગ્રાહી અને તલસ્પર્શી રહેતી. આવી સાહિત્યિક ગુણવત્તાને લીધે શ્રી ચુનીભાઈ યશસ્વી સાહિત્યકાર અને પત્રકાર બનવા ઉપરાંત આદર્શ નિબંધકાર પણ બની શક્યા હતા. “સાહિત્યપ્રિય'ના નામથી એમણે કરેલ સાહિત્યિક બાબતોની વિવેચના અને “ચક્રવાક'ના તખલ્લુસથી લખેલ નરવા કટાક્ષલેખો આજે પણ એના વાચકોના અંતર ઉપર સુભગ સ્મરણરૂપે કાયમ રહેલાં છે.
શ્રી ચુનીભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેર. એમનો જન્મ તા. ૨-૫-૧૮૮૭માં. માતાનું નામ નાથીબહેન. ધર્મ સ્થાનકવાસી જૈન. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય; પણ બુદ્ધિ, કાર્યશક્તિ અને ધ્યેયનિષ્ઠાની અમીટ સંપત્તિ બચપણથી જ મળેલી. તેમાં સૌરાષ્ટ્રનું ખમીર ભળતાં જીવન દીનતા કે નિરાશાથી મુક્ત, શાંત-સ્વસ્થ અને પુરુષાર્થી બની ગયું.
સને ૧૯૦૩માં ૧૬ વર્ષની વયે વઢવાણની હાઈસ્કૂલમાંથી જ એમણે મૅટ્રિકની પરીક્ષા ઉચ્ચ કક્ષાએ પસાર કરીને એજન્સીનું પચાસ રૂપિયા જેવું મોટું પારિતોષિક મેળવ્યું. ત્યાર પછી આગળ અભ્યાસ કરવાની ભાવના પણ હતી અને બુદ્ધિ પણ હતી; પણ આર્થિક સ્થિતિ અભ્યાસમાં સમય, શક્તિ અને પૈસાનો વ્યય કરવાને બદલે અર્થોપાર્જનના કામમાં લાગી જવાનો તગાદો કરતી હતી. શ્રી ચુનીભાઈએ હતાશ થયા વગર, પરિસ્થિતિના એ આદેશને માથે ચડાવ્યો; અને શિક્ષક તરીકેની નોકરી સ્વીકારીને નવા જીવનનો આરંભ કર્યો. એમની પહેલી નવલિકા “વિમલા” પણ એ જ અરસામાં રચાઈ.
એમના સર્જક આત્માએ શાળાની ચાર દીવાલો વચ્ચે સદાને માટે પુરાઈ રહેવાની ના ભણી. પણ નિર્ભેળ સાહિત્યઉપાસના દ્વારા ધન રળવાનું કામ તે કાળે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ હતું; સરસ્વતીના ઉપાસક ઉપર લક્ષ્મીદેવીની કૃપા વરસવા લાગે એવા નવયુગનો ઉદય થવાને હજી વાર હતી. છતાં શ્રી ચુનીભાઈનું ખમીર એવી રાહ જોવા થોભવા તૈયાર ન હતું; થોડા જ વખતમાં શિક્ષક તરીકેની કામગીરીને છોડીને એમણે સને ૧૯૦૬માં “રાજસ્થાન” પત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org