________________
૩૭૪
અમૃત-સમીપે સર્જનોનું મહત્ત્વ સમજવાનો તથા મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરતાં એમણે રચેલી, લોકજીવનના અંગરૂપ બની ગયેલ કેટલાક ધંધાદારી માનવીઓનું સુરેખ શબ્દચિત્ર રજૂ કરતી “જનપદ' નામે પુસ્તકની શ્રેણી, પંખીઓ તથા વનસ્પતિઓની વિવિધતાનું જ્ઞાન કરાવતી પુસ્તકશ્રેણી તથા એવી જ બીજી કેટલીક કૃતિઓ તરફ સહજપણે જ ધ્યાન જાય છે.
શ્રી મનુભાઈની બુદ્ધિ એવી વિચક્ષણ અને કુશાગ્ર હતી અને પ્રશ્નોને સમજવા અને ઉકેલવાની એમની આવડત અને સૂઝ એવી કસાયેલી હતી, કે તેઓ કોઈ પણ રાજ્યના સંચાલનમાં સહેલાઈથી સફળતા મેળવી શકત. આમ છતાં એમણે રાજકારણના બદલે સાહિત્યસેવાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું એ ગુજરાતી સાહિત્યની ખુશનસીબી છે એમ કહેવું જોઈએ.
વળી, તેઓએ મહાત્મા ગાંધીજીની સરદારી નીચે ખેલાયેલ આઝાદીના અહિંસક યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલવાસ પણ સ્વીકાર્યો હતો. આથી એમને અનેક રાજકારણી આગેવાનો સાથે ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં, સ્વરાજની પ્રાપ્તિ થયા પછી એમણે સત્તાના રાજકારણથી અલિપ્ત રહીને સાહિત્યની ઉપાસના કરવાનું જ પસંદ કર્યું એ બીના એમના પ્રત્યેના બહુમાનમાં વધારો કરે એવી છે.
તેઓએ “સ્ત્રીજીવન' નામે સુઘડ, સંસ્કારી અને સુવાચ્ય વાચનસામગ્રી પ્રગટ કરતા માસિકનું ૩૯ વર્ષ સુધી તંત્રીપદ સંભાળ્યું હતું. વળી ગુજરાત રાજ્યની રચના થયા પછી ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના લોકસાહિત્યના પ્રકાશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે રચેલ લોકસાહિત્ય-સમિતિમાં રહીને ગુજરાતના લોકસાહિત્યની તેઓએ જે સેવા બજાવી છે, તે ચિરકાળ સુધી એમની વિદ્યાઉપાસનાની કીર્તિગાથા સંભળાવતી રહેશે.
શ્રી મનુભાઈનું વતન સૌરાષ્ટ્રની એક વીરભૂમિ તરીકેનું ગૌરવ ધરાવતું ઘેલાશાનું બરવાળા ગામ. એમના પિતાશ્રીનું નામ લલ્લુભાઈ. એમણે પોતાની યશસ્વી જિંદગીનાં ૭૫ વર્ષ પૂરાં કરીને છોંતરમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લે સુધી તેઓ કાર્યરત રહ્યા હતા. છેલ્લા પાંચેક દિવસની ટૂંકી માંદગી ભોગવીને, તા. ૨૯-૧૨-૧૯૭૭ના રોજ સ્વર્ગવાસ પામ્યા.
(તા. ૭-૧-૧૯૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org