________________
૩૩૯
અમૃત-સમીપે ' પણ ક્યારેક કાદવ કમળને પ્રગટાવે છે અને કાંટામાં ગુલાબ ઊગે છે, એમ દેખાતા અનિષ્ટમાંથી ઇષ્ટ જન્મે છે. શ્રી માવજીભાઈ હવે શું કરવું એની મૂંઝવણમાં હતા. ઉમર પણ માંડ ૯-૧૦ વર્ષ જેવી ઊછરતી અને અપક્વ હતી; કોઈ માર્ગદર્શકની પણ રાહ હતી. અને એમને સુપ્રસિદ્ધ ધર્માનુરાગી જૈન મહાજન શ્રી વેણીચંદ સૂરચંદનો વરમગામમાં મેળાપ થયો.
આ અરસામાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ (તે કાળના મુનિ શ્રી ધર્મવિજયજીએ) જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાના ઉમદા અને દીર્ઘદૃષ્ટિભર્યા હેતુથી બનારસમાં એક જૈન વિદ્યાતીર્થની સ્થાપના કરવાનું યુગકાર્ય કર્યું હતું. શ્રી વેણીચંદભાઈએ શ્રી માવજીભાઈને આ વિદ્યાતીર્થમાં વિદ્યાની ઉપાસના માટે જવાની સલાહ આપી. ભાવિયોગ એવો પ્રબળ કે માત્ર દસ જ વર્ષની નાની ઉંમરે તે કાળે કાશી જેટલે દૂર દેશાવર કેવી રીતે જવું એવાં સંકોચ કે નાહિંમત અનુભવ્યા વગર શ્રી માવજીભાઈ કાશી પહોંચી ગયા અને વિદ્યાઉપાર્જનમાં લાગી ગયા. નમ્રતા, વિવેક અને વિનયશીલતાએ એમને સૌના વાત્સલ્યભાજન બનાવી દીધા, અને ઉદ્યમશીલતા અને ધ્યેયનિષ્ઠાએ એમને સરસ્વતીના લાડકવાયા બનાવી દીધા.
છ વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક અધ્યયન કરીને એમણે જુદા-જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું; અને ગુરુજનોના આશીર્વાદ લઈને, અર્થોપાર્જન માટે તેઓ મુંબઈ આવી પહોંચ્યા.
કુમારકાળ પૂરો થયો, યૌવનમાં હજી પ્રવેશ જ થયો હતો; અને શ્રી માવજીભાઈ સોળ વર્ષની સાવ ઊછરતી વયે મુંબઈમાં બાબુ પન્નાલાલ પૂરણચંદની જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાઈ ગયા.
શ્રી માવજીભાઈનો આત્મા એક સારા શિક્ષકનો આત્મા હતો. નામનાની કામના, પ્રતિષ્ઠાનો મોહ, પૈસા પ્રત્યેની આસક્તિ એમને ન તો સતાવી શકતાં હતાં કે ન તો શિક્ષક તરીકેના દેખીતી રીતે નીરસ, શ્રમસાધ્ય અને અલ્પલાભકારક વ્યવસાયથી વિચલિત બનાવી શકતાં હતાં. મુંબઈ જેવી મોહમયી નગરી અને વધુ કમાણીના કંઈક મોહક માર્ગો; છતાં શ્રી માવજીભાઈ શિક્ષકપદને વફાદારીપૂર્વક વળગી રહ્યા. અરે, એમની આ વફાદારી તો એવી કે શિક્ષક તરીકે પણ બીજું કોઈ સ્થાન ન શોધતાં સાયનમાં જ તેમણે પૂરાં ૪૭ વર્ષ સુધી એકધારી નોકરી કરી ! એક શિક્ષકને આટલા લાંબા સમય સુધી કામ કરવાની મોકળાશ આપવા બદલ આ સંસ્થાના સંચાલકોની શિક્ષક પ્રત્યેની મમતા અને ઉદારતા પણ એટલી જ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. આ ઘટનાએ શિક્ષણના ક્ષેત્રમાં એક અનુકરણીય અને પ્રેરક ઇતિહાસ સર્જ્યો છે એમ કહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org