________________
૩૬૧
શ્રી કનૈયાલાલ મુનશી માટેની અખંડ જાગરૂકતા અને એના ઉત્તમોત્તમ અંશોના પ્રચાર માટેની પ્રયત્નશીલતા.
- ગુજરાતી સાહિત્યના એક સમર્થ અને લોકપ્રિય સર્જક તરીકે તો શ્રી મુનશીએ એક યુગપ્રવર્તક જેટલું મહત્ત્વનું કામ કર્યું છે. એમણે પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક કથાવસ્તુને લઈને રચેલ નવલકથાઓમાં, એમની આત્મકથાત્મક રચનાઓમાં તેમ જ સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને રચાયેલી એમની નિબંધાત્મક કૃતિઓમાં કંઈક એવું ચિરંજીવિતાનું, તાજગીનું અને મનમોહક સૌંદર્યનું તત્ત્વ રહેલું છે, કે જેથી એમની મોટા ભાગની કૃતિઓને કાળનો ઘસારો ભાગ્યે જ સ્પર્શી શકશે.
શ્રી મુનશીની સર્જક તરીકેની પ્રતિભાની તો કેટલીક પ્રશસ્તિઓ અને કિંવદંતીઓ લોકોમાં પ્રચલિત થયેલી છે. તેઓ કોઈ મોટા જવાબદારીવાળા ગંભીર કેસના વકીલ તરીકે કોર્ટમાં ગયા હોય કે રેલવેનો યા વિમાનનો પ્રવાસ ખેડતા હોય ત્યારે ય તેઓએ પોતાની મધુર કલમના મુલાયમ ટાંકણાથી અનેક કથાવાર્તાઓનાં કે વ્યક્તિઓનાં મનોહર શબ્દશિલ્પો કંડાર્યા હોવાના દાખલાઓ મળી શકે એમ છે. વાચકના મનને વશ કરી લેતી એમની કૃતિઓની રચનાકથા તેઓએ પોતાની રોજનીશીમાં આલેખી હોય અને જો તે પ્રગટ કરવામાં આવે તો, આવી કથાઓની કથા જેવી કંઈક વાતો જાણવા મળી શકે.
આકર્ષક કથાના સર્જક તરીકેની શ્રી મુનશીજીની કલમની તાજગી છેવટ સુધી કેવી સચવાઈ રહી હતી એની સાક્ષી, એમની છેલ્લી મહાનવલકથા “કૃષ્ણાવતાર' પૂરે છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને અને મહાભારતની મહાકથાનાં સંખ્યાબંધ કથાપ્રસંગો અને પાત્રોની યથાસ્થાને સુંદર રીતે રજૂઆત કરીને શ્રી મુનશીજીએ, અંગ્રેજી તથા ગુજરાતી બંને ભાષાઓમાં, અનેક ભાગોમાં આ મહાનવલની જે રચના કરી એ ખરેખર હેરત પમાડે એવી છે. એમાં એમનો પાત્રાલેખનનો જાદુ તો છે જ છે – - એમની કલમે ચડેલું દરેક પાત્ર જાણે સજીવન અને આકર્ષક બની જાય છે – પણ મહાભારતની મહાકથાનાં અસંખ્ય પાત્રો અને પ્રસંગોના વર્ણનનું તેઓએ જે સાતત્ય અને સાંગોપાંગાણું જાળવ્યું છે, તે તેઓની સર્જનશક્તિ માટે વિશેષ માન ઉપજાવે એવું છે. પ્રસંગો અને પાત્રોના મોટા જંગલમાં આવું ભૂલ વગરનું વિચરણ કરવું એ યુવાન સર્જકને માટે પણ મુશ્કેલ વાત ગણી શકાય : જાણે જીવનભર સેવેલી શ્રીકૃષ્ણ પ્રત્યેની ભકિતને તેઓએ અહીં મૂર્તરૂપ આપ્યું.
આ ઉપરથી એમ કહી શકાય કે ગુજરાતના સમર્થ સાહિત્યસ્વામી તરીકે શ્રી મુનશીજી અમર બની ગયા છે; એમના કીર્તિમંદિર રૂપે એમના અક્ષરદેહનું સ્મરણ અને આરાધન મહાગુજરાતની પ્રજા હંમેશાં કૃતજ્ઞતાપૂર્વક કરતી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org