________________
શ્રી સંપતરાજજી ભણસાળી
૩૩૭ સ્વસ્થતાપૂર્વક જીવવું એ શ્રી માવજીભાઈની પ્રકૃતિ હતી. ખોટી દોડધામ અને અર્થહીન ઉધામા એમને ખપતા ન હતા. જેવો એમનો દેખાવ સીધો, સાદો અને શાંત હતો, એવો જ એમનો સ્વભાવ સરળ, ઓછાબોલો અને કર્તવ્યપરાયણ હતો. પોતાની વધારાની શક્તિઓને સાહિત્ય-ઉપાસના અને સાહિત્ય-સર્જનને માર્ગે વાળીને શ્રી માવજીભાઈએ પોતાના જીવનને વધુ સુરભિત, વધુ સ્વસ્થ અને વધુ યશસ્વી બનાવ્યું હતું. એ યશસ્વી જીવનની પ્રસાદીરૂપે તેઓ નાનાં-મોટાં ૭૫ જેટલાં પુસ્તકોની સમાજને ભેટ આપતા ગયા ! શ્રી માવજીભાઈનું આ અક્ષર કાર્ય આપણને એમની ચિરકાળપર્યત યાદ આપતું રહેશે.
(તા. ૨૪-૭-૧૯૬૫)
(૧૦) છાત્રવત્સલ સેવક શ્રી સંપતરાજજી ભણસાળી
જન્મ અર્થપરાયણ વણિકુ-જ્ઞાતિમાં – તેમાં ય નાનો પણ વેપાર કે ઉદ્યોગ જ કરીને ભાગ્યને ખીલવવાનો પુરુષાર્થ કરવામાં શ્રદ્ધા ધરાવતા મારવાડમાં ; અને છતાં એક જ સ્થાને, એક જ નોકરીમાં અને તે પણ શિક્ષણ સંસ્થા જેવી અર્થોપાર્જનની તકોથી દૂર અને સેવાભાવના પર નભતી નોકરીમાં એકધારાં ૪૩ વર્ષ સુધી કામગીરી બજાવીને, એવી કામગીરી બજાવતાં-બજાવતાં જ છેલ્લો શ્વાસ લેનાર વ્યક્તિની કાર્યનિષ્ઠા, સમાજનું ભલું કરવાની ભાવના અને શાંત-એકાંત ખૂણામાં બેસીને કર્તવ્ય બજાવવાની તમન્ના કેટલી ઉત્કટ હશે તે સમજી શકાય છે.
વરકાણાના શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના મુખ્ય સંચાલક શ્રી સંતરાજજી ભણસાળી આવા એક કર્તવ્યનિષ્ઠ પુરૂષ હતા. આ વિદ્યાલયની સ્થાપનાની સાથે જ, માત્ર ૧૮-૧૯ વર્ષની ઊછરતી ઉંમરે, તેઓએ, સમાજસેવાની ભાવનાથી પ્રેરાઈને સંસ્થાના સંચાલનની જવાબદારી સહર્ષ સ્વીકારીને એની સાથે એવી એકરૂપતા સાધી, કે જાણે એમના જીવનમાં એ સંસ્થાના ઉત્કર્ષ સિવાય બીજી બધી બાબતોનું સ્થાન ગૌણ બની ગયું; એમ કહેવું જોઈએ કે તેઓ એ સંસ્થાના પ્રાણ બની ગયા હતા, અને એ સંસ્થા એમને મન પ્રાણ કરતાં પણ અધિક પ્રિય બની ગઈ હતી.
શ્રી ભણસાળીની ચાર દાયકા કરતાં પણ વધુ સમયની આ કામગીરી એમના યશસ્વી અને લોકપ્રિયતાથી સુરભિત જીવનની પ્રેરક કીર્તિકથા બની રહે એવી છે. શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના વિકાસના ઇતિહાસમાં તેઓનું નામ હંમેશને માટે સોનેરી અક્ષરોથી અંકિત થયેલું રહેશે એમાં પણ શક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org