________________
૩પ૦
અમૃત-સમીપે - શ્રી ચાંપશીભાઈએ આજથી ૫૦ વર્ષ પહેલાં, સને ૧૯૨૨માં, ગુજરાતી ભાષામાં “નવચેતન' માસિક ગુજરાતથી ખૂબ દૂર છેક કલકત્તામાં શરૂ કર્યું, ત્યારે “વીસમી સદી' માસિક ચલાવવામાં, ગુર્જર ભાષા અને સાહિત્યના પરમ ઉપાસક નરરત્ન શ્રીયુત હાજી મહમ્મદ અલારખિયા શિવજી આર્થિક રીતે ખુવાર થઈ ગયા હતા; બલ્ક, શહીદ થઈ ચૂક્યા હતા. આ દાખલો નવું માસિક શરૂ કરવાની હિંમતને પાછી પાડી દે એવો હતો. છતાં શ્રી ચાંપશીભાઈ પ્રશાંત અડગતા, ખંત, ધીરજ, ચીવટ, ઝીણવટ અને ગમે તેવી મુસીબતોના ઘેરાવાને બરદાસ્ત કરી લેવાની અસાધારણ તિતિક્ષાથી આ માસિકની, એક સાત ખોટના સંતાન જેવા વહાલથી, સતત માવજત અને રખેવાળી કરતા રહ્યા. પરિણામે “નવચેતન' માસિક એની યશસ્વી અને લોકપ્રિય કારકિર્દીનાં ૫૦ વર્ષ પૂરાં કરીને ૫૧મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો, અને થોડા દિવસો પહેલાં જ (તા. ૧૪-૫-૧૯૭૨ના રોજ), અમદાવાદમાં જ્ઞાનતપસ્વી બહુશ્રુત વિદ્વાન પ્રોફેસર ફિરોજ કાવસજી દાવરના પ્રમુખપદે આ માસિકનો સુવર્ણમહોત્સવ ઊજવવામાં આવ્યો. શ્રી ચાંપશીભાઈની સુદીર્ઘકાલીન ધ્યેયનિષ્ઠ વિદ્યાતપસ્યાનું જ આ સુપરિણામ લેખી શકાય.
જ્યાં જાહેર સંસ્થાઓ દ્વારા ચાલતાં માસિક-દ્વિમાસિકોને પણ નિયમિત રીતે ચાલુ રાખવાનું અને એના આર્થિક બોજને પહોંચી વળવાનું કામ બહુ જ કપરું લેખાતું હોય, ત્યાં વ્યક્તિગત માલિકીનું અને વ્યક્તિગત આર્થિક જવાબદારી ધરાવતું “નવચેતન' ૫૦ વર્ષની અરધી સદીની મજલ પૂરી કરીને પોતાની કૂચ આગળ ચાલુ રાખે એ સાહિત્યજગતમાં વિરલ – અતિવિરલ અને હંમેશને માટે વિશેષ નોંધપાત્ર એવી ઘટના છે. પોતાના સંતાનસમા “નવચેતન” માસિકને આ રીતે અખંડિતપણે ચાલુ રાખવામાં શ્રી ચાંપશીભાઈને કેટલી ધ્યેયનિષ્ઠા કેળવવી પડી હશે, ઘડિયાળ જેવી કેવી નિયમિતતા સાચવવી પડી હશે અને માસિકના ધોરણને સાચવી રાખવા માટે કેટલી જાગૃતિ રાખવી પડી હશે અને કેટલી જહેમત ઉઠાવવી પડી હશે એની તો કેવળ કલ્પના જ થઈ શકે. શ્રી ચાંપશીભાઈએ નવચેતન'ને પોતાનું જીવન અને સર્વસ્વ માનીને એને ઉન્નત બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું.
નવચેતન' આ રીતે ટકી રહ્યું અને પોતાની લોકપ્રિયતાને જાળવી શક્યું એમાં શ્રી ચાંપશીભાઈની આવી નિષ્ઠાભરી કામગીરીનો તો મુખ્ય ફાળો ખરો જ; ઉપરાંત, પોતાનું માસિક કેવળ વિદ્વાનો અને સાક્ષરોને જ ઉપયોગી થાય એવું દુર્વાચ્ય ન બને તેમ જ કેવળ સામાન્ય જનસમૂહનું મનોરંજન કરવા જેટલી નીચી કક્ષાએ પણ ન ઊતરી જાય એની પૂરી ખબરદારી રાખીને એને મધ્યમ કક્ષાના સુવાચ્ય અને રસપ્રદ સામયિકનું સ્વરૂપ આપ્યું તે કારણ પણ ખરું. આ દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org