________________
૩૨૮
અમૃત-સમીપે શ્લોકનો અર્થ પૂછ્યો. અર્થ સાંભળીને ગુરુજી રાજી-રાજી થઈ ગયા. એમના અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયા : “છોકરા, તું ભણીશ, અને પંડિત થઈશ !” એ આશીર્વાદ પૂરેપૂરા ફળ્યા.
એક વાર જૈનોના સુપ્રસિદ્ધ આગેવાન અને ભાવનગરના જાણીતા શ્રેષ્ઠી શ્રી ગિરધરભાઈ આણંદજી બનારસ ગયેલા. ત્યારે આઠ દિવસ જગજીવને એમની ખૂબ સેવા કરેલી. એમની ઓળખાણ થતાં શ્રી ગિરધરભાઈએ કહેલું : “આ તો પોપટનો દીકરો ! છોકરા, પંડિત થઈને ભાવનગર આવજે, હોં !” પંડિતજીએ આ નિમંત્રણને માથે ચડાવી જાણ્યું; ચાલીશ કરતાં વધુ વરસો સુધી ભાવનગરમાં રહીને તેઓ જિંદગીભર વિદ્યાનું દાન કરતા રહ્યા.
પોતાના સંસ્કારદાતા ઉપકારી તરીકે પૂજય મુનિવર્ય શ્રી જયંતવિજયજી મહારાજ(શ્રી હર્ષચંદ્રભાઈ)નું, વિદ્યાદાતા તરીકે બનારસના પંડિતવર્ય શ્રી સભાપતિ શર્માનું અને પંડિત શ્રી વેલસીભાઈ છગનલાલ શાહનું પંડિતજી ભારે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરતા. વિજયધર્મસૂરિજીનો ઉપકાર તો એમના રોમ-રોમમાં સદા ગુંજતો રહેતો.
વિ. સં. ૧૯૭૦થી વિદ્યાવિતરણનો એમનો કર્મયોગ શરૂ થયો. દિલચોરી મુદ્દલ કરવી નહીં અને રૂપિયો લઈને સવા રૂપિયા જેટલું આપીને રાજી થવું એ પંડિતજીનો સહજ સ્વભાવ હતો. સ્વમાનને બરાબર સાચવવું, દીનતા ક્યાંય દાખવવી નહીં અને ફરજ બજાવવામાં પાછા પડવું નહીં : સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીની આ સંસ્કાર-શિખામણને પંડિતજીએ બરાબર પચાવી અને શોભાવી જાણી હતી. એથી જ એમણે પોતાના જીવનને સાદું, ઓછામાં ઓછી જરૂરિયાતવાળું અને ઉન્નત વિચારોથી સમૃદ્ધ બનાવી જાણ્યું હતું. મોળો, નમાલો કે હલકો વિચાર તો જાણે એમની પાસે ટૂંકવાની ય હિંમત ન કરી શકતો !
અને ભણાવવાની કળા તો પંડિતજીની જ ! એક વાત ભણાવે અને અનેક વાતો સમજવાની જાણે ગુરુચાવી લાધી જાય અને બત્રીસ કોઠે દીવા પ્રગટી જાય ! પોતાના શિષ્યોને પોતાથી સવાયા કરવાનો જ એમનો સદા પ્રયત્ન અને ઉમંગ રહેલો.
સંવત્ ૧૯૭૭-૭૮ અને ૧૯૮૦-૮૧ દરમિયાન બે-અઢી વર્ષ સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં મુંબઈ, આગ્રા અને શિવપુરીમાં એમનાં ચરણોમાં બેસીને અલ્પસ્વલ્પ અધ્યયન કરવાનો જે યોગ સાંપડ્યો હતો, એણે અમને જીવનભર કામ લાગે એવું જીવનપાથેય આપ્યું હતું. એ જીવનના સોનેરી દિવસો બની ગયા.
તેઓ પૂર્ણ એકાગ્રતાથી ભણાવતા અને વિદ્યાર્થી પાસેથી પણ એવી જ એકાગ્રતાની અપેક્ષા રાખતા. એમના વર્ગમાં આડીઅવળી વાતમાં વખત બગાડવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org