________________
શ્રી કિશોરલાલ મશરૂવાળા
૩૧૭ એક સમર્થ કેળવણીકાર તરીકેની શ્રી નાનાભાઈની કાબેલિયતે એક કાળે એમને સૌરાષ્ટ્રના કેળવણીપ્રધાનના ગૌરવભર્યા પદે બેસાડ્યા હતા. એક નિષ્ઠાવાન લોકસેવક તરીકે કેન્દ્ર-સરકારની રાજ્યસભાનું સભ્યપદ પણ એમને સાંપડ્યું હતું. પણ કેળવણીના ફકીર અને સેવાના આશકને આ મોહભર્યા સ્થાનો લોભાવી ન શક્યાં. એમનો આત્મા એ સત્તાનાં સ્થાનોનો ત્યાગ કરીને જ જંપ્યો. સત્તા કે સંપત્તિને માટે વલખાં મારનારાઓનો તો દુનિયામાં પાર નથી; પણ સત્તા કે સંપત્તિએ સામે ચાલીને નોતર્યા છતાં, એ મોહક નોતરાને જાકારો આપનારા આ એક વિરલા પુરુષ હતા.
(તા. ૯-૧-૧૯૯૨)
(૩) રાજીવનના ગાંધીમાર્ગી રખેવાળ શ્રી કિશોરલાલ
દેશ, ધર્મ, જ્ઞાતિ કે એવા કોઈ પણ ભેદભાવથી પર બનીને માનવમાત્રની સેવાનું આજીવન વ્રત સ્વીકારનાર જે વિરલ નરરત્ન ગાંધીયુગે દેશને ચરણે ધર્યા, તેઓમાં બહુ ઊંચું અને અનોખું સ્થાન ધરાવતા શ્રી કિશોરલાલભાઈ ઘનશ્યામલાલ મશરૂવાળાનું ૬૨ વર્ષની ઉમરે, વર્ધા મુકામે તા. ૯-૯-૧૯૫૨ના રોજ થયેલું સાવ અણધાર્યું અવસાન અત્યારના કથળેલા રાષ્ટ્રજીવનમાં, આપણા રાષ્ટ્રને માટે એક હોનારતરૂપ છે. તેઓના સ્વર્ગવાસથી રાષ્ટ્રજીવનને સ્પર્શતી અનેકવિધ અટપટી સમસ્યાઓનો સાચો અને વ્યવહારુ ઉકેલ દર્શાવનાર એક પારદર્શી ચિંતકની ન પુરાય એવી ભારે ખોટ પડી છે.
પ્રાચીનતા, નવીનતા કે એવી કોઈ પણ લાગણીથી દોરવાયા વિના, દરેક બાબતનો, પોતાની પ્રજ્ઞાના પ્રકાશમાં, પોતાની રીતે વિચાર કરવાનું સ્વતંત્ર અને મૌલિક વિચારકપણું એ શ્રી મશરૂવાળાની આગળ પડતી ખાસિયત હતી. આ વિચાર-સ્વાતંત્ર્ય કેવળ તકપ્રધાન બનીને આવ્યવહારુ કે ખંડનાત્મક ન બની જાય
એ માટે વિચારને હંમેશાં આચરણની કસોટીએ ચડાવ્યા કરવો એ એમના વિચારસ્વાતંત્ર્યની વિરલ વિશેષતા હતી. આમ તેઓએ પ્રજ્ઞાના ઉત્કર્ષની સાથે-સાથે ચારિત્રનો ઉત્કર્ષ સાધતા રહીને પોતાના જીવનને એક ઉત્કટ સાધકના જીવન જેવું નિયમિત, સંયમિત અને ત્યાગપૂર્ણ બનાવ્યું હતું. વિચાર અને આચારની આ સમતુલાએ તેમના જીવનમાં સહૃદયતા, સમભાવ અને સેવાનો ત્રિવેણીસંગમ સિદ્ધ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org