________________
શ્રી મગનબાબા
૩૦૯
રેલાવી સૌને મંત્રમુગ્ધ બનાવી મૂકે એવા મધુર કંઠની પણ ભેટ મળી હતી. તેઓ જ્યારે પોતાના બુલંદ, મધુર અને લાગણીભીના કંઠથી પોતાનું કે બીજા કોઈ સંતનું ભજન લલકારતા ત્યારે તો જાણે શ્રોતામાં સર્વત્ર મધુર સ્તબ્ધતા છવાઈ જતી; અને એવે વખતે તેઓ પણ પોતાની જાતને વીસરી ગયા હોય ! તેઓની આવી કાવ્યશક્તિ અને સંગીતસિદ્ધિએ જ તેઓને ‘ભક્તકવિ' અને ‘મગનબાબા' જેવાં લોકાદર અને વહાલ સૂચવતાં બિરુદોથી નવાજીને વિશેષ લોકપ્રિય બનાવ્યા હતા.
તેઓની વક્તૃત્વકલાની એક વિશેષતા જાણવા જેવી છે : કોઈ વિષય ગંભીર હોય કે સામાન્ય, પણ તેઓની રજૂઆત હમેશાં હળવી, સુગમ, રમૂજભરી અને રસઝરતી જ રહેતી. ચોટદાર ટુચકાઓ, મર્મવેધી દુહાઓ અને હાસ્ય વેરતા પ્રસંગોનો તો ખજાનો ! ભારેખમ લાગતા વિષયને હળવી શૈલીમાં સૌના મનમાં ઉતારી દેવો એ તો જાણે શ્રી શિવજીભાઈની જ આવડત !
જનસેવાના એમના જાહેરજીવનની શરૂઆત પણ સરસ્વતીની સેવાથી જ થઈ હતી. વીસ વર્ષની ઊગતી ઉંમરે જ તેઓને શિક્ષણના પ્રસાર દ્વારા સમાજસેવાના મનોરથો જાગ્યા. ચોવીસ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૦૩માં, તેઓએ પાલીતાણામાં, જૈન બોર્ડિંગ-સ્કૂલની સ્થાપના કરી. તે પછી ચાર વર્ષે કચ્છમાં ત્રીસ જેટલી ગ્રામ-પાઠશાળાઓ/કન્યાશાળાઓ સ્થાપી, અને તે પછીના વર્ષે, પોતાના વતન નલિયામાં એક બાલાશ્રમની શરૂઆત કરીને પોતાની જન્મભૂમિનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો. આ સંસ્થા અત્યારે પણ ચાલી રહી છે. સમાજને અધોગતિમાંથી ઉગારી લેવા એમણે બાળલગ્ન, ન્યાવિક્રય અને વૃદ્ધવિવાહ જેવા માનવતાનું શોષણ કરતા રિવાજો સામે પણ જેહાદ જગાવી હતી. ફકત ત્રીસ વર્ષની ઉંમરે શ્રી શિવજીભાઈએ શરૂ કરેલી જાહે૨સેવાની આ પ્રવૃત્તિઓ તેઓની કાર્યશક્તિ, કાર્યસૂઝ અને કાર્યનિષ્ઠાની સાક્ષી પૂરે એવી છે.
તેઓ હતા તો ઘરવાસી; પણ આવા ફક્કડ જીવને ઘરની ચાર દીવાલો કેવી રીતે રોકી રાખી શકે ? અને દુકાન તો, એમણે માંડી જ ક્યાં હતી ? અને છતાં તેઓ તેમના પુત્રો, પૌત્રો, કુટુંબીઓ અને સ્વજનોના હેતાળ શિરછત્ર જેવું જીવન જીવી ગયા એ એમની જીવન-પદ્ધતિની એક વિશેષતા જ લેખાવી જોઈએ. તેમના જેવી એક અલગારી પ્રકૃતિ ધરાવતી વ્યક્તિને નિભાવી લેનાર અને એમના મન ઉપર ભાર ન પડે કે એમની સ્વતંત્રતા ઉપર કાપ પડતો ન લાગે એ રીતે મૂકપણે અને પ્રચ્છન્ન રીતે, જીવનભર એમની સેવા-શુશ્રુષા કરનાર એમના પુત્રોપૌત્રો અને કુટુંબીજનોના તપની પણ પ્રશંસા કરવી લટે છે.
હિંદુસ્તાનમાં ગાંધીજીનું આગમન થયું. ગાંધીયુગે આખા દેશના જીવનમાં નવસંચાર કર્યો, અને જનતા એક પ્રકારની અદ્ભુત અને અદમ્ય ચેતના અનુભવી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org