________________
૩૧૨
અમૃત-સમીપે પણ કોઠાસૂઝ અને અંત:સ્ફરણા એમની જબરી હતી. જે કંઈ શક્તિ અને આયુષ્ય મળ્યાં છે, એને ભગવાનની પ્રસાદી માનીને પરોપકારમાં ખર્ચવાની વૃત્તિ – એ આ સંતપુરુષની સહજ પ્રકૃતિ હતી. એમના જીવનને પ્રભુપરાયણતા અને સેવાપરાયણતાનો ઘાટ આપવામાં સંત અકડોજી મહારાજે ગુરુ તરીકે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પોતાનાં ભજનો સંભળાવીને ગરીબ-પતિત જનતાની ચેતનાને જાગૃત કરવા તેઓ પહાડોમાં, જંગલોમાં અને ગામડાંઓમાં ખૂબ ઘૂમ્યા હતા. જનતા હજારોની સંખ્યામાં એમનાં ભજનો સાંભળવા એકત્ર થતી.
આ ઓછું ભણેલા સંત ઉપર કવિતાસ્વરૂપ માતા સરસ્વતીની અજબ કૃપા હતી. તેઓ સિદ્ધહસ્ત ભજનકાર અને પ્રભાવશાળી ભજનિક હતા. એમણે મરાઠીહિન્દી ભાષામાં ભજનોનાં અને બોધ આપતાં સો-એક પુસ્તકો લખ્યાં છે.
જોશીલી ભાષા, અસરકારક શૈલી અને ધર્મની અને માનવતાની વ્યાપક ભાવનાને લીધે તુકડોજી મહારાજનાં ટૂંકા-ટૂંકાં ભજનો ખૂબ હૃદયસ્પર્શી હોય છે; તેમાં ય એમની પોતાની ભજનમંડળી સાથે જ્યારે તેઓ બુલંદ સ્વરે પોતે રચેલ ભજન લલકારતા હોય, ત્યારે તો એમ જ લાગે કે કોઈ સિદ્ધહસ્ત ભક્તકવિ અને જીવનસ્પર્શી કિર્તનકાર અંતરનું અમૃત રેલાવી રહ્યા છે. તેઓને ભજનકીર્તન ગાતાં સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો. મડદાંને ઊભાં કરવાની વિદ્યુતશક્તિવાળી વાણીની બક્ષિસ તેમને મળી હતી.
આવા એક કવિહૃદય સંતમાં જે જબરી વ્યવસ્થાશક્તિ અને વેધક રચનાત્મક દૃષ્ટિનો સુમેળ સધાયો હતો એ ખરેખર અતિ વિરલ હતો. પોતાના ગામના, આશ્રમના કે ઘરના શાંત-એકાંત ખૂણામાં બેસીને માળા ફેરવવી, ધ્યાન કે જપ કરવાં કે ભજનો ગાવાં, એમાં એ સંતને સંતોષ ન હતો; એ તો જનતાજનાર્દનની નિઃસ્વાર્થ સેવા દ્વારા પોતાના પરમાત્માને રીઝવવામાં માનતા હતા. એમની અદમ્ય કાર્યશક્તિનું પ્રેરક બળ મુખ્યત્વે દલિત-પતિતની અને ગ્રામીણ જનતાની સેવાની તાલાવેલી જ હતું.
પરમેશ્વરને જીવંત પ્રતીક રૂપ દીન-હીન ગરીબ જનતાના અને ગામડાંઓના ઉત્થાન માટે આ સંત પુરુષે ૧૯૪૦ની સાલમાં “અખિલ ભારતીય ગુરુદેવ મંડળની સ્થાપના કરી હતી. આ મંડળીની શાખા-પ્રશાખાઓ સ્થાપવામાં અને એના દ્વારા જનસેવાની પ્રવૃત્તિને સતત વહેતી રાખવામાં આ સંતપુરુષે જે વ્યવસ્થાશક્તિ દાખવી હતી, એને લીધે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર જેવા વ્યાપક પ્રદેશોમાં થઈ આ મંડળીની ત્રીસ હજાર જેટલી શાખાઓ કામ કરતી થઈ શકી હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org