________________
૨૪o
અમૃત-સમીપે
(૯) ઉપાધ્યાય શ્રી હેમચંદ્રવિજયજી : સમ્યગ જ્ઞાન-ચારિત્રના સવશીલ સાધક
જે ધર્માત્મા વ્યક્તિઓ તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમ-વૈરાગ્યના પાલનની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને, આત્મસાધનાના આજીવન સામાયિકવ્રતનો મુશ્કેલ માર્ગ સ્વીકારે છે, તેઓ પોતાનું કલ્યાણ સાધવા સાથે બીજાઓને પણ કલ્યાણમાર્ગનું દર્શન કરાવીને આપણા ઉપકારી બની જાય છે. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી હેમચંદ્રવિજયજી મહારાજ આવા જ એક સ્વ-પરઉપકારક, આત્મસાધનાના ધ્યેયને માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રમણ છે.
જુદાજુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે; પોતાના પાંડિત્યને ગોપાવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરને પાત્ર બન્યું છે. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથેસાથે, તેઓએ પોતાની સાધનામાં જે તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અને આટલું જ શા માટે ? જેવી તેઓ વિદ્યા અને તપસ્યા પ્રત્યે આતંરિક અભિરુચિ ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પોતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. જે કંઈ ધર્મકરણી કરવી એ પૂર્ણયોગથી તન્મય બનીને આનંદપૂર્વક કરવી એ એમનો સ્વભાવ બની ગયો છે.
વળી, પાંડિત્યનો દેખાવ કરવાની પ્રશંસાલક્ષી પામર મનોવૃત્તિ એમને ન તો સતાવી શકે છે, ન તો પોતાની મૂક સાધનાના માર્ગેથી ચલિત કરી શકે છે. આવી ઉદાત્ત મનોવૃત્તિના જ એક આનુષંગિક ફળ રૂપે મિતભાષીપણું, દાક્ષિણ્ય અને શરમાળપણું એમના જીવન સાથે સહજપણે જડાઈ ગયાં છે. તેથી એક ત્યાગી, વૈરાગી, સંયમી સાધકનું એમનું જીવન શુષ્ક, રસહીન કે રુક્ષ નથી બનવા પામ્યું; પણ એમનાં વાણી અને વ્યવહારમાં મધુરતા અને વત્સલતાની આભા પ્રસરેલી જોવા મળે છે. અલબત્ત, એ માટે એક તત્ત્વજિજ્ઞાસુ તરીકે આદર અને ભક્તિ સાથે એમનો નિકટનો પરિચય સાધવો પડે !
- તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમનાં ધર્મપરાયણ દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબેનનું ઘર. તેઓ ઘર-દેરાસર રાખીને પરમાત્માની પૂજા-ભક્તિ કરે અને સાધુસાધ્વીજી-મહારાજની ઉલ્લાસથી ભક્તિ કરીને પોતાના જીવનને કૃતાર્થ બનાવે.
આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ પાંચ સંતાન : અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org