________________
૨૭૮
અમૃત-સમીપે જ્ઞાન-ધ્યાન-તપ-નિરત, આપણા સંઘના ગૌરવસમા વિદ્વાન અને સહૃદય મુનિવર પંન્યાસ શ્રી અભયસાગરજી ગણી. એમનાં પુત્રીનું નામ સુલતાશ્રીજી. ઉપાધ્યાયજી મહારાજના ગુરુ હતા આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી.
જેમ શ્રી ધર્મસાગરજી મહારાજ સંયમ અને તપના જાગૃત આરાધક હતા, તેમ શાસનને હાનિ કરતા પ્રશ્નોનો સામનો કરવામાં પણ એક ખડા સૈનિક કે યોદ્ધા જેવા હતા. ટ્રસ્ટ એક્ટના કારણે દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યને પહોંચનાર હાનિના નિવારણ માટે તેઓએ, એકલાં સુપ્રિમકોર્ટ સુધી ઝઝૂમીને જે સફળતા પ્રાપ્ત કરી હતી તે માટે શ્રીસંઘ સદાને માટે એમનો ઓશિંગણ રહેશે.
આવા સંયમી, તપસ્વી અને શાસનરક્ષક ઉપાધ્યાયજી મહારાજનો ૭૮ વર્ષની ઉંમરે, ઊંઝામાં, ગત અષાઢ સુદિ ચૌદશના પર્વદિને, સમાધિપૂર્ણ કાળધર્મ થતાં આપણને એક ઉત્તમ કોટિના શ્રમણ સંતની ખોટ પડી છે.
(તા. ૫-૮-૧૯૭૮)
(૧૯) શુભાકાંક્ષી દેહદાતા મુનિશ્રી શુભવિજયજી
ભવિતવ્યતાની પણ બલિહારી જ છે ને ! એકાદ મહિનાથી જેમના સેવાકાર્યને અમે અમારી પ્રશંસાની અંજલિ અર્પણ કરવા ઇચ્છતા હતા, એમાં એક યા બીજા કારણે વિલંબ થતો રહ્યો, અને એમને પ્રશંસાની અંજલિની સાથે-સાથે શોકાંજલિ આપવાનો અવસર આવ્યો !
પશુ જીવતાં તો માણસ-જાતની સેવા કરે જ છે અને મરીને પણ પોતાનાં હાડ-ચામ દ્વારા ઉપયોગી સાબિત થાય છે પણ મરેલાં માનવીની કાયાનો કોઈ જ ઉપયોગ નહીં; એને બાળી કે દાટી જ દેવાની ! ઘણા લાંબા સમયથી આપણે ત્યાં આ માન્યતા પ્રચલિત હતી; પણ વિજ્ઞાનની શોધોએ માનવીના મૃતદેહનો પણ ખૂબ ઉપકારક ઉપયોગ કરવાનો માર્ગ શોધી કાઢ્યો. અને એ શોધે કોઈકોઈ વિરલા માનવીના અંતરમાં પોતાના મરણ પછી પોતાની કાયાને અગ્નિને કે પૃથ્વીને હવાલે કરી દેવાને બદલે લોકોપકારક તબીબી સંશોધન કે તબીબી ઉપયોગને માટે સોંપી દેવાની ભવ્ય ભાવના જગાડી છે. સદ્ગત મુનિશ્રી શુભવિજયજી આવા જ કાયાને અર્પણ કરનાર ભાવનાશીલ મુનિવર હતા.
આ મુનિશ્રીએ એક વસિયતનામું (વિલ) કરી રાખ્યું હતું, અને એમાં એમણે પોતાના મરણ બાદ પોતાની કાયા તબીબી-વિજ્ઞાનની કૉલેજને સોંપી દેવા અંગે જણાવ્યું હતું : “મારા મૃત્યુ બાદ મારા શબને, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રયોગ માટે ઉપયોગ કરવા, મેડિકલ કોલેજને, કોઈ પણ જાતની ધાર્મિક ક્રિયાઓ કર્યા વગર, સુપ્રત કરવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org