________________
૨૮૭
અમૃત-સમીપે
વર્ષથી પોતાને અસાધ્ય વ્યાધિ લાગુ પડ્યો હોવા છતાં તેઓ પૂરી સ્વસ્થતા અને શાંતિથી એને બરદાસ્ત કરી રહ્યાં છે. આ વ્યાધિને કારણે પોતાની સંયમસાધનામાં કે પોતાના કર્તવ્યપાલનમાં તેમ જ પોતાના ગચ્છ તથા સમુદાયને યોગ્ય માર્ગદર્શન આપવામાં ખામી આવવા ન પામે એ માટે સતત સાવધાન રહે છે.
આશરે અઢી વર્ષ પહેલાં એમના શરીર ઉપર એક ગાંઠ નીકળી આવી હતી. શરૂઆતમાં તો નિરંતર જ્ઞાન-ક્રિયાની આરાધના અને સ્વ-૫૨કલ્યાણની સાધનામાં લીન રહેનાર એ સાધ્વીજી મહારાજે એની દરકાર ન કરી. પણ છેવટે નક્કી થયું કે ગાંઠ કેન્સરની છે. પછી તો એના સમુચિત અને તત્કાળ ઉપચાર કરાવવા માટે સંઘ વારંવાર આગ્રહ કરવા લાગ્યો; ઑપરેશન કરાવવાની પણ વાત આવી. છતાં સાધ્વીજીએ એ બધી વાતનો ઇન્કાર કરી દીધો અને હોમિયોપેથી જેવો સામાન્ય પણ નિર્દોષ ઉપચાર શરૂ કર્યો.
હવે આ વ્યાધિ ખૂબ વધી ગયો છે, સાવ અસાધ્ય બની ગયો છે અને એની પીડા દિવસે-દિવસે વધુ ને વધુ અસહ્ય બનતી જાય છે; છતાં સાધ્વીજી પોતાના સંયમની વિરાધના કરે એવા ઑપરેશન જેવા ઉપચારોથી અલગ રહેવાના પોતાના નિર્ધારમાં હજી પણ અણનમ જ રહ્યાં છે.
જે સાધકના અંતરમાં જડ અને ચેતન કે દેહ અને આત્મા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટપણે અંકિત થઈ હોય તે જ આવું ખમીર કે આત્મબળ દાખવી શકે.
વધારે નવાઈ ઉપજાવે એવી વાત તો એ છે પોતાના દેહમાં એવી અસહ્ય પીડા હોવા છતાં, જાણે એ વાતને વિસારીને, પોતાના ધર્મનિયમોના પાલનમાં, પોતાની શિષ્યા-પ્રશિષ્યાઓને અભ્યાસ કરાવવામાં તથા એમના દર્શને જનારાઓને તીર્થંકર ભગવાનની ધર્મવાણી સંભળાવવામાં તેઓ એટલાં જ દત્તચિત્ત અને પ્રયત્નશીલ રહે છે. એટલા માટે જ એમને માટે તન મેં વ્યાધિ મન મેં સમાધિ એ વાક્ય પ્રચલિત થયું છે તે યથાર્થ છે.
દાખલારૂપ સમતા અને સહનશીલતાના બળે આવા વ્યાધિને નિરાકુલપણે વેદીને પોતાના આત્મતેજને વધારી રહેલાં એ સાધ્વીજી મહારાજને આપણી સાદર વંદના હો !
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૨૬-૫-૧૯૭૯)
www.jainelibrary.org