________________
૨૮૪
અમૃત સમીપે પોતાના સાધ્વીસમુદાયની આવી માવજત કરીને તેમણે જૈનશાસનને અનેક તેજસ્વી સાધ્વીરત્નોની ભેટ આપી છે.
તેઓ ધર્મની સમજણ, સંપ્રદાયવાદની સંકચિત વાડાબંધીથી મુક્ત રહીને, વ્યાપક રૂપમાં આપે છે, તેથી જૈનસંઘ ઉપરાંત જૈનેતર વર્ગ પણ એનો લાભ લઈ ધર્માભિમુખ બને છે.
જ્યારે કીર્તિની કારમી આકાંક્ષાની ચોમેર બોલબાલા વધતી જાય છે, એવા વિચિત્ર યુગમાં, આવાં તેજસ્વી, શક્તિસંપન્ન અને પુણ્યપ્રભાવવંત સાધ્વીજીએ નમ્રતા, નિરભિમાનવૃત્તિ, નામના પ્રત્યેની અનાસક્તિ વગેરે આત્મિક ગુણો પ્રત્યેનો અનુરાગ કેળવી જાણ્યો છે તે જોઈને હૈયું ઠરે છે.
(તા. ૧૬-૧૨-૧૯૭૮). પ્રેરક ઉદ્ગારો
આ વખતે બેંગ્લોરમાં ચાતુર્માસ બિરાજતાં સાધ્વીજી વિચક્ષણશ્રીજીએ આ. શ્રી હીરવિજયજીની જયંતી વખતે દર્શાવેલા ઉદાર ભાવોની સંક્ષિપ્ત નોંધ “શ્વેતાંબર જૈન' પત્રના તા. ૮-૯-૧૯૬૮ના અંકમાં પ્રગટ થઈ છે; તેમાં તેઓશ્રી જણાવે
“જિનશાસનના આંગણામાં જિનેશ્વર ભગવંતો પછી જે સંખ્યાબંધ આચાર્યોએ મનોબળ, તપોબળ, જપબળ અને મંત્રબળથી શાસનની સેવા કરી છે, એ બધા ય આચાર્યોના આપણે ઋણી છીએ -- ભલે પછી તેઓ ગમે તે ગચ્છ કે સમુદાયના હોય; એની સામે અમને કોઈ જાતનો વાંધો નથી. અમારે તો એમના કાર્યક્ષેત્રનાં દર્શન કરવાં છે. જેમ ભારતના અભ્યદયને માટે ભોગ આપનાર વ્યક્તિ ગમે તે જાતિ, પ્રાંત કે ધર્મની હોય, તો ય શહીદ કહેવાય છે, એ જ રીતે જૈનશાસનની સેવામાં ગમે તે ગચ્છ કે સમુદાયના આચાર્યોએ કે ગમે તે ગુરુના ઉપાસકે તન-મન-વચનથી કામ કર્યું હોય એ બધા ય આપણા માટે અભિનંદનીય અને અભિનંદનીય છે. તો પછી શું કારણ છે કે એક ગચ્છવાળા બીજા ગચ્છનો, એક સમુદાયવાળા બીજા સમુદાયનો અને એક ગુરુના ઉપાસકો બીજા આચાર્યને માનનારાઓનો વિરોધ કરે છે, એમની નિંદા કરે છે, એકબીજાની ટીકા કરે છે અને બીજાને હલકા દેખાડવા પોતાની જાતને વિશિષ્ટ બતાવવાની ભાવના ધરાવે છે? આ મનોવૃત્તિમાં પરિવર્તન કરવાની ખૂબ જ જરૂર છે. આપણે પોતપોતાનાં કાર્યક્ષેત્રમાં રહીને શાસનની પ્રભાવના કરવી છે, અને અનેકતામાં એકતાની ભાવના પ્રગટાવવી છે. એટલા માટે બધા ય શાસનપ્રભાવક આચાર્યો આપણા માટે માથાના મુગટ સમા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org