________________
૨૮૨
અમૃત-સમીપે પ્રવર્તિની સાધ્વીજી મહારાજ શ્રી વિચક્ષણશ્રીજી મહારાજ અત્યારના સમયનાં આપણા સંઘનાં થોડાંક વિદુષી, આત્મસાધના-નિમગ્ન, શાસનપ્રભાવક, પ્રભાવશાળી, પ્રવચનકાર અને વિવેકશીલ સાધ્વીજીઓમાં આદર અને બહુમાનભર્યું સ્થાન ધરાવે છે. તેઓએ જૈનધર્મના પ્રાણરૂપ, સર્વજીવકલ્યાણકારી અહિંસાભાવના, કરુણા તથા અનેકાંતપદ્ધતિની મહત્તા પિછાણીને અને એને પોતાની સાધના સાથે એકરૂપ બનાવવાનો સમ્પ્રયત્ન કરીને પોતાના જીવનમાં જે ઉદાર દૃષ્ટિ અને પરોપકારવૃત્તિ કેળવી જાણી છે, તે બીજાઓને માટે દાખલારૂપ છે. વળી દીર્ઘદૃષ્ટિ, શાણપણ અને સમાજ-કલ્યાણની ભાવનાથી એમની સંયમયાત્રા વિશેષ શોભાયમાન બની છે. અને ખરતરગચ્છમાં એમનું જે સ્થાન અને માન જોવા મળે છે, એ પણ એમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવાં છે.
સાધ્વીજીને આપવામાં આવેલ પ્રવર્તિનીપદનું બહુમાન કરવા નિમિત્તે એમને ચાદર (કામળી) ઓઢાડવાનો વિચાર, કેટલાક મહિના પહેલાં, ખરતરગચ્છસંધે કર્યો હતો. જ્યારે સાધ્વીજીને આ વાતની જાણ થઈ, ત્યારે આવા માનકીર્તિવર્ધક પ્રસંગ પ્રત્યે આકર્ષાઈ હરખાઈ જવાને બદલે, એક ત્યાગીને છાજે એવી અનાસક્તિ તથા વિનમ્રતા દાખવતું અને આ વિચારનો ઇન્કાર કરતું એક નિવેદન શ્રીસંઘને ઉદ્દેશીને, જયપુરમાંથી બહાર પાડ્યું હતું. આગરાથી પ્રગટ થતા “શ્વેતાંબર જૈન' સાપ્તાહિકના તા. ૧-૧૦-૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું આ નિવેદન વાંચવા-વિચારવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ :
તા. ૨૪-૭-૧૯૭૮ના “શ્વેતાંબર જૈન' માં એ વાંચવામાં આવ્યું, કે “શ્રી અખિલ ભારતીય જૈન ખરતરગચ્છની કાર્યવાહક કમિટીએ એમ નક્કી કર્યું છે કે શ્રી વિચક્ષણશ્રીજીને પ્રવર્તિની-પદની ચાદર ઓઢાડવામાં આવે.” આ વાંચીને ઘણું આશ્ચર્ય થયું. જેના માટે નિર્ણય કરવામાં આવ્યો એને કશી જાણ કરવામાં ન આવી, એની સંમતિ પણ લેવામાં ન આવી ! તો પછી આ નિર્ણય કેવો? ચાદર ઓઢાડવાની વાત કેટલી ય વાર કરવામાં આવી અને હું સમજાવીને એને પડતી મુકાવતી રહી. પણ કેટલાક દિવસ પછી ફરી એ જ વાત ઊભી થાય છે.
પ્રવર્તિની-પદ મળવાથી અથવા ન મળવાથી, તેમ જ ચાદર ઓઢાડવાથી કે નહીં ઓઢાડવાથી કશો ફેર પડતો નથી. હું માનું છું, કે મેં જિનશાસનની કોઈ વિશિષ્ટ સેવા નથી કરી. અનંત જન્મોનાં અનંત દુઃખોથી બચાવીને, અનાદિ કાળથી ચાલ્યા આવતા રંકપણામાંથી બહાર કાઢીને અને આત્માની અનુભૂતિરૂપ અનંત નિધિ આપીને, જે જિનશાસને મને આવું ઉન્નત અને પવિત્ર મહાન જીવન આપ્યું છે, એ શાસનની હું કે કોઈ પણ જિનશાસનનો ઉપાસક અલ્પ-સ્વલ્પ સેવા કરે, તો તે એમ કરીને કેવળ પોતાનું કર્તવ્ય જ બજાવે છે; કારણ કે આ જીવન જ જિનશાસનનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org