________________
૨૮૦
અમૃત-સમીપે શ્રી વસંતપ્રભાશ્રીજી શ્રી પાયચંદગચ્છનાં અત્યારે વિદ્યમાન વિદુષી અને શાસનપ્રભાવક સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજીનાં શાસ્ત્રાભ્યાસી, પ્રભાવશાળી પ્રવચનકાર અને શાંત સ્વભાવી શિષ્યા સાધ્વીજી શ્રી સુનંદાશ્રીનાં શિષ્યા છે, અને તેઓએ પોતે પણ અધ્યયનશીલ, તેજસ્વી તથા અસરકારક વક્તા તેમ જ લેખિકા તરીકેની નામના મેળવી છે. એ રીતે પોતાનાં દાદાગુરુણીશ્રી તથા ગુરુણીશ્રીની વિદ્યાસંસ્કાર અને વિકાસની પરંપરાને સાચવી રાખી છે.
વળી, વિશેષ હર્ષ ઉપજાવે એવી વાત તો એ છે કે આ સમુદાયનાં અન્ય સાધ્વીજીઓ પણ વિદ્યાભ્યાસ દ્વારા પોતાનો વિકાસ સાધવાની સાથે શાસનની વધારે સેવા થઈ શકે અને જૈનસંઘનું ગૌરવ વધે એ માટે મન દઈને પ્રયાસ કરી રહ્યાં છે. આ બધું એમના ગચ્છના વડા સામુનિરાજ દ્વારા તથા એમનાં સમુદાયનાં વડાં ગુરુણીજી દ્વારા અધ્યયન, પ્રવચન, લેખન વગેરે માટે અપાયેલી મોકળાશનું જ સુપરિણામ છે.
સાધ્વીજી શ્રી “સુતેજ” જેવાં તેજસ્વી છે, એવાં જ વિનમ્ર, વિવેકશીલ અને વિનયવંત છે. ૧૭-૧૮ વર્ષની વયે, વિ. સં. ૨૦૦૫માં દીક્ષા લઈને આ સાધ્વીજીએ પોતાનો જે આંતરિક ઉત્કર્ષ સાધ્યો છે, તેથી એમ લાગે છે કે તેઓએ અત્યાર સુધીની પોતાની ૨૮ વર્ષની સંયમયાત્રાને સ્વઉદ્ધારક અને પર-ઉપકારક બનાવવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે.
તેઓએ ભગવાન મહાવીરના આવા પરંપરામાન્ય અને સુંદર ચરિત્ર ઉપરાંત બીજાં પણ છ-સાત પુસ્તકો લખ્યાં છે, જેમાંનું મનમાળાના મણકા' નામે પુસ્તક વિશેષ ધ્યાન ખેંચે એવું છે. આ પુસ્તકમાં સાધ્વીજીએ પોતાના ઇષ્ટદેવ તીર્થંકર ભગવાનને સંબોધીને, માળાના મણકાની જેમ, પોતાના અંતરના ૧૦૮ ભાવ પ્રગટ કર્યા છે તે ખરેખર હૃદયને સ્પર્શી જાય છે.
સાધ્વીજીની ભાષાશૈલી સરળ અને મધુર છે અને એમાં ક્યાંક-ક્યાંક એમની ચિંતનશક્તિના ચમકારાનાં પણ દર્શન થાય છે. એમની આવી સુંદર અને મધુર કલમનો જનસમૂહને વધુ ને વધુ લાભ મળે એમ ઇચ્છીએ છીએ અને એમની વિદ્યા-સાધનાને વંદીને આવી સફળતા માટે એમને અભિનંદીએ.
તેઓ એક ભાવનાપ્રધાન લેખિકા હોવાની સાથેસાથે ધર્મ, સંઘ અને સમાજના હિતની દૃષ્ટિ પણ ધરાવે છે, અને આપણા સંઘની અત્યારની બેહાલી માટે ચિંતા પણ સેવે છે. પોતાની આ લાગણીને વ્યક્ત કરવા માટે તેઓએ મંગલ ભગવાનું વીરો' પુસ્તકના “સાધ્વીસંઘની મહત્તા' નામે છેલ્લા પ્રકરણમાં પોતાના કેટલાક વિચારો વ્યક્ત કર્યા છે તે જાણવા જેવા હોવાથી એમાંથી થોડાક અહીં નમૂનારૂપે રજૂ કરીએ છીએ. જૈન શાસનની અત્યારની શોચનીય સ્થિતિ અંગે તેઓ લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org