________________
સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી
૨૦૯
“ભગવાન મહાવીરના શાસનની જ્યોતને જીવંત રાખવામાં સહાયક થનાર અનેક સાધ્વીજીઓ જૈનસંઘમાં વિદ્યમાન છે. ‘મંગલં ભગવાન્ વીરો' નામના આ મનનીય ગ્રંથને લખનાર પણ એક ગુણવંત વિદુષી સાધ્વી વસંતપ્રભાશ્રીજી છે.... ‘મંગલં ભગવાન વીરો' ગ્રંથનું સાદ્યંત આલેખન કરનાર સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી પણ, પોતાના ચારિત્રધર્મની આરાધનામાં સજાગ હોવા સાથે, અનેક ધર્મશાસ્ત્રોનું સુંદર પરિશીલન કરનાર ગુણવંત સાધ્વીજી છે. તેમનો સ્વભાવ ઘણો વિનમ્ર છે અને તેમની વાણીમાં મધુરતા છે.
“ગ્રંથ લખાઈ ગયા બાદ તેના પરિમાર્જન માટે એ સમગ્ર લખાણ સાધ્વીજીએ મને સોંપ્યું. મારા ઉપર અનેકાનેક ધર્મકાર્યોની જવાબદારી છતાં, અવસરે-અવસરે સમય મેળવી, આ ગ્રંથ મેં સાદ્યંત વાંચી લીધો. ખાસ પરિમાર્જન કરવા જેવું મને કશું ન દેખાયું...ગ્રંથનું લખાણ વાંચતાં મને ઘણો આનંદ થયો. અનેક પ્રકારનું પ્રાચીન-અર્વાચીન ભગવાન મહાવીરના જીવનનું સાહિત્ય સ્થિરતાથી વંચાયા બાદ ‘મંગલં ભગવાન્ વીરો' ગ્રંથનું લખાણ લખાયાની શ્રદ્ધાનો મારો અંતરાત્મામાં પ્રાદુર્ભાવ થયો. ઉપરાંત, સંસ્કારસંપન્ન વિદુષી સાધ્વીજીઓ પણ કેવું સુંદર ગ્રંથાલેખન કરી શકે છે તે માટે દિલમાં અત્યંત આનંદ થવા સાથે શુભ કાર્યની વારંવાર અનુમોદના થઈ, તેમ જ આવા પ્રશંસનીય પ્રયાસ માટે એ ગુણિયલ સાધ્વીજીને મારા હૈયામાંથી ઘણાં-ઘણાં અભિનંદન અપાયાં.”
ગચ્છવાદના આગ્રહથી મુક્ત બનીને આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ આ પુસ્તકને આવો ઉમળકાભર્યો આવકાર આપ્યો, તે માટે આપણે એમનો વિશેષ ઉપકાર માનવો ઘટે છે. તેઓની આ વિશાળ દૃષ્ટિ બીજાઓને માટે દાખલારૂપ છે.
આપણા જાણીતા ધર્મશીલ ચિંતક અને લેખક સ્વર્ગસ્થ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ આ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખીને પુસ્તક તથા એનાં લેખિકા સાધ્વીજી પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. આ ચરિત્રગ્રંથની મહત્તા વર્ણવતાં તેઓએ યોગ્ય જ કહ્યું છે : “ભગવાનના સાધનાકાળના પ્રસંગો તેમ જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછીના પ્રસંગો સાધ્વીશ્રીએ અત્યંત સંવેદનશીલ અને સંસ્કારસમૃદ્ધ ભાષામાં રજૂ કરી પુસ્તકને વિશિષ્ટ કોટિનું બનાવેલ છે. પૂ. સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રી મહારાજે જૈન તેમ જ જૈનેતર સમાજને ઉપયોગી થઈ પડે એ રીતે, શાસ્ત્રને વફાદાર રહી, ભગવાન મહાવીરનું ચારિત્ર આલેખ્યું છે. તે માટે હું તેઓશ્રીને ફરી-ફરી મારાં હાર્દિક અભિનંદન આપું છું.”
એક અભ્યાસી, સહૃદય, ધર્માત્મા મહાનુભાવના અંતરમાંથી વહેતા આ ઉદ્ગારો આ પુસ્તકની ઉપયોગિતા અને ઉપકારકતાની આપણને પ્રતીતિ કરાવે એવા અને એનાં લેખિકા પ્રત્યે વિશેષ આદર અને ભક્તિ ઉપજાવે એવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org