________________
૩૦૧ નિર્દેશ આપતાં, સને ૧૯૫૭માં તેઓએ જાહેર કર્યું હતું : “મહાત્માજીએ મને કેટલીક સૂચનાઓ અને ચેતવણી આપી હતી, એનું મહત્ત્વ હવે સમજાય છે. હવે પછી મારી બધી શક્તિ હું વિશ્વશાંતિ પાછળ જ ખર્ચવાનો છું. અમુક પંથનો આગ્રહ લઈને કશું નહીં કરું.” એમના આટલા થોડાક શબ્દો પણ તેઓ કેવી ઉચ્ચ કક્ષાના વિશ્વનાગરિક છે, એની ગવાહી પૂરે છે.
આવું દિવ્ય, ભવ્ય અને લોકોપકારક જીવન જીવી રહેલા ૯૫ વર્ષના આ કર્મયોગના સાધક વૃદ્ધપુરુષે, એમને નેહરૂ-એવોર્ડ અર્પણ થયો તે વખતે, અત્યારે જેની ચોમેર ઉપેક્ષા થઈ રહી છે એ ધર્મની શાશ્વત ઉપકારકતા તરફ સૌનું ધ્યાન દોરતાં કહ્યું હતું: જ્યાં ધર્મનું અસ્તિત્વ નથી ત્યાં સારા અને ખરાબ તત્ત્વો વચ્ચેની ભેદરેખા આંકી શકાતી નથી; અને આવી ભેદરેખા આંક્યા વગર જીવનમાં શાંતિ આવવી શક્ય નથી. આનો અર્થ એ છે, કે સૌથી પહેલાં, આપણે જીવનમાં ધાર્મિક શ્રદ્ધા કેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.”
ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' દૈનિકના ખબરપત્રીને નવી દિલ્લીમાં મુલાકાત આપતાં ગુરુજીએ કેટલીક પાયાની, મહત્ત્વની અને વેધક વાતો કહી હતી, તે જાણવા જેવી છે. તેઓએ કહ્યું હતું : “મને ભારતીય પ્રજામાં રહેલી ધર્મપરાયણતામાં વિશ્વાસ છે, અને એની ધાર્મિક સભ્યતા-સંસ્કૃતિએ દુનિયામાં વિજયી બનવું જોઈએ. હું સને ૧૯૧૮ની સાલથી જાપાનના બુદ્ધસંઘની સંભાળ રાખું છું, અને મેં સમગ્ર એશિયામાં “શાંતિનાં મંદિરો' (પીસ પેગોડા) બાંધ્યાં છે.”
- દુનિયાના અત્યારનાં દુઃખ અને અશાંતિનાં કારણોનું પૃથક્કરણ કરતાં તેઓ કહે છે : “હું માનું છું કે માનવીના ચિત્તમાં રહેલી લોભવૃત્તિ અને પૈસો એકત્ર કરવાની તથા વિલાસી જીવન વિતાવવાની કામના એ સતત વધી રહેલ અણુશસ્ત્રોનું પાયાનું કારણ છે. લોભવૃત્તિમાં વધારો થવાનું કારણ પશ્ચિમની સભ્યતા (રહેણીકરણી) છે. આ લોભવૃત્તિને નાબૂદ કરવાનું કામ કેવળ ધર્મપરાયણ સંસ્કૃતિથી જ થઈ શકવાનું છે.”
- “લોભ પાપનું મૂળ” એ પ્રચલિત લોકોક્તિનું જાણે પોતે વિશદીકરણ કરતા હોય એમ એમણે લોભ વધવાના કારણનું અહીં કેટલું પ્રતીતિકર નિરૂપણ કર્યું છે, અને એને કાબૂમાં લેવાનો ઉપાય પણ કેવો સચોટ સૂચવ્યો છે !
જાણે પોતાની લોભવૃત્તિને કાબૂમાં લેવા માગતા હોય એમ આ પ્રસંગે તેઓએ વિશેષમાં કહ્યું હતું : “આ રકમનો ઉપયોગ હું દિલ્લીમાં) રાજઘાટમાં અને શાંતિવનમાં શાંતિનાં મંદિરો બાંધવામાં કરવાનો છું.”
(તા. ૧૨-૫-૧૯૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org