________________
મુનિશ્રી શુભવિજયજી
૨૩૯ થોડાં અઠવાડિયા પહેલાં જ એમણે બોંતેર વર્ષ પૂરાં કરીને તોંતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો, અને તા. ૭-૧-૧૯૬૩ને સોમવારના રોજ સાંજના સાડાસાત વાગતાં, તેઓ મુંબઈમાં કાળધર્મ પામ્યા ! કાળધર્મ પહેલાં એમને ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એમણે આપઘાતની કોશિશ કરી હોય એવો વહેમ એમના સ્વર્ગવાસની આસપાસ વીંટળાઈ રહ્યો હતો. શરૂઆતમાં તો એ કોશિશ નિષ્ફળ ગયેલી લાગી, પણ અંતકાળે પોતાનું કામ જાણે પૂરું કર્યું, અને એક સેવાધેલા મુનિ સદાને માટે આપણાથી વિદાય થયા !
મૂળે તેઓ અમદાવાદના વતની; એમનું નામ સારાભાઈ અને ધંધો કાપડનો. સત્તાવીસ વર્ષની વયે એમને વૈરાગ્યનો રંગ લાગ્યો, અને એમણે આ. મ. શ્રી. વિજયવલ્લભસૂરિજી પાસે દીક્ષા લીધી. પણ થોડા વખતમાં એમણે એ દીક્ષાનો ત્યાગ કર્યો; પણ એમનો ધર્મપ્રેમી આત્મા એથી વધુ અસંતુષ્ટ થયો, અને એમણે મુનિશ્રી ભક્તિવિજયજી પાસે ફરી દક્ષા ગ્રહણ કરી. પણ એમના સેવાપરાયણ મનને ત્યાં નિરાંત ન વળી; તેથી તેઓ ગુરુથી જુદા પડી ગયા અને પોતાને ગમતી સેવા પ્રવૃત્તિ કરતાં એકલા ફરવા લાગ્યા.
શરૂઆતમાં એમણે થરાદમાં જીવદયાનું કામ કર્યું, કચ્છમાં ભદ્રેશ્વરમાં આશ્રમ સ્થાપ્યો અને ધીમેધીમે કચ્છમાં લોકપ્રિય થતા ગયા; એમની સેવાપરાયણતા પણ વધતી ગઈ. પછી તેઓ મુંબઈ આવી, ચીંચણી બંદરમાં જૈન સર્વોદય કેન્દ્રની સ્થાપના કરીને એમાં જ પરોવાઈ ગયા. જૈન સાધુધર્મના પાદવિહારાદિ આચારોનો ત્યાગ કરીને તેઓ એક સેવાભાવી મુનિ તરીકે જીવન જીવવા લાગ્યા...
પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે સ્વર્ગસ્થ મુનિશ્રીએ જે-જે સેવા પ્રવૃત્તિ હાથ ધરી એમાં તેઓ જે તન્મયતાપૂર્વક પરોવાઈ ગયા, તે કોઈ પણ સહૃદય વ્યક્તિના અંતરમાં એમના પ્રત્યે આદર પ્રેરે એવી બીના છે. છેવટે પરલોક-પ્રયાણ કરતાં કરતાં પણ એ સેવાઘેલા મુનિ પોતાની કાયાને માનવ-કલ્યાણ માટે અર્પણ કરીને પોતાની સેવાપરાણયતા ઉપર જાણે કળશ ચડાવતા ગયા. સડન-પડન-વિધ્વંસન સ્વભાવવાળી કાયાનો મુનિશ્રી શુભવિજયજીએ કરી જાણેલ ઉપયોગ કેવળ અનુમોદનીય જ નહીં, અનુકરણીય પણ છે.
સેવા માટે જ જીવેલા અને જતાં જતાં પણ સેવા કરી ગયેલા એ સેવાના આશક મુનિવરને આપણી સાદર વંદના હો !
(લેખકે પોતે બાવીસ વર્ષ પછી આ જ વિધિએ દેહદાન કર્યું હતું એ એમની વાણી-વર્તનની એકતા માટેની જબરી તાલાવેલીની સૂચક ઘટના છે. -સં.)
(તા. ૧૯-૧-૧૯૯૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org