________________
૨૪૯
શ્રી કલ્યાણચંદ્રજી બાપા પોતાના ચિત્તની સ્વસ્થતા જાળવી રહ્યા. ધર્મની સાચી સમજણ અને પરિણતિ આવા અણીના વખતે જાણે સન્મિત્રની જેમ સાચા સહારારૂપ બની રહી. દર્દના વધવા સાથે મુનિશ્રીની અંતર્મુખ વૃત્તિ પણ વધવા લાગી હતી.
ચાતુર્માસ ઊતરતાં તેઓને ઉપચાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા. રોહિડાના જ વતની અને અમદાવાદના સર્જન ધર્મ-ભાવનાશીલ ડૉ. પુખરાજજીએ, પોતાના મિત્ર ડૉક્ટરોની સહાયથી, તેઓની ભક્તિભાવપૂર્વક રાતદિવસ ખડે પગે સેવા કરી, પણ દર્દ કંઈક એવું વિકરાળ રૂપ લઈને આવ્યું હતું, છેવટે એ આખા શરીરમાં પ્રસરી ગયું. અને એ મુનિવર સમભાવપૂર્વક, અહીન-અદીન ભાવે એને સહન કરતા રહ્યા અને પોતાની આત્મપરિણતિને ઉજ્વળ બનાવતા રહ્યા. એ રીતે પોતાના ચિત્તની સમાધિની રક્ષા કરતાં-કરતાં વિ. સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ ૧૧ના રોજ તેઓ સ્વર્ગવાસ પામ્યા. આ એમની સાધનાની બીજી વિશેષતા.
(તા. ૪-૯-૧૯૭૧)
(૧૧) કરુણાભીના કલ્યાણયાત્રી શ્રી કલ્યાણચંદ્રજી બાપા
કોઈનું દુઃખ જોઈને અંતર દ્રવવા લાગે, માનવીને જોઈને અંતરમાં મહોબ્બત જાગે અને અન્યાય, અધર્મ કે અનાચાર જોઈને અંતર કકળી ઊઠે – આવા લોકકલ્યાણના પુણ્યપ્રવાસીઓ પોતાના જીવનને પણ ધન્ય બનાવે છે અને દુનિયાને પણ ઊજળી, ગૌરવશાળી અને જીવવા લાયક બનાવવામાં પોતાનો ફાળો આપે છે.
- સોનગઢ(સૌરાષ્ટ્ર)ના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમના અધિષ્ઠાતા શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ (‘બાપા') આવા જ એક લોકકલ્યાણના પુણ્યપ્રવાસી હતા. લોક-કલ્યાણને પોતાનું જીવન ધ્યેય બનાવીને અને ધ્યેયને પૂરું કરવામાં પોતાની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરીને તેઓએ જૈનધર્મની અહિંસા અને કરુણાની ભાવનાને વિશેષ શોભાવી જાણી હતી.
શ્રી કલ્યાણચંદજી મહારાજનું જીવન જોતાં એમ દેખાઈ આવે છે કે તેઓએ આપણા સંઘમાં કાળક્રમે પ્રવેશી ગયેલ માનવી પ્રત્યેની દયાનો વ્યાપક અભાવ અને માનવીઓમાં ઊંચ-નીચ ભાવ – એ બને દોષોને દૂર કરવા યથામતિ, યથાશક્તિ પ્રયત્ન કર્યો હતો, અને એમ કરીને જૈનધર્મની વ્યાપક ભાવનાને શોભાવી જાણી હતી. તેઓનું અંતર એવું સુકોમળ અને કરુણાપરાયણ હતું કે કોઈ પણ માનવીનું દુઃખ જોઈને તેઓનું સંવેદન જાગી ઊઠતું; અને એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરતા ત્યારે જ તેઓના મનમાં નિરાંત થતી. પોતાના અંતરના સંતોષ ખાતર તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org