________________
૨૫૨
અમૃત-સમીપે
એ બાળક અંચળગચ્છના શ્રીપૂજ્ય શ્રી જિનેન્દ્રસાગરસૂરિજીના દિલને આકર્ષી રહ્યો. શ્રીપૂજ્યજીએ વિ. સં. ૧૯૬૦માં ખેતશીનો શિષ્ય તરીકેનો સ્વીકાર કરીને એને વિધિસર દત્તક લેવાનો મહોત્સવ કર્યો; નામ રાખ્યું ક્ષમાનંદજી.
બુદ્ધિ તેજસ્વી હતી અને નવું-નવું જાણવા-ભણવાનો અંતરમાં ઉત્સાહ હતો. શ્રી ક્ષમાનંદજીએ ભુજપુરની શાળા, નલિયાનો જૈન બાલાશ્રમ, મહેસાણાની જૈન પાઠશાળા અને બનારસની પાઠશાળામાં રહીને દિલ દઈને અભ્યાસ કર્યો, અને તેઓ જૈન ધર્મશાસ્ત્રોના સારા વિદ્વાન બન્યા. જેવી એમની વિદ્વત્તા માન મુકાવે એવી હતી, એવી જ અસરકારક હતી એમની વકતૃત્વશક્તિ. અંતરમાંથી બુલંદ અવાજે વહેતી એમની વાણી શ્રોતાઓને વશ કરી લેતી; અને ધાર્મિક વિધિવિધાનોની પટુતા તો તેમની જ. જેમ તેઓ વિધિવિધાનોની બધી ક્રિયાપ્રક્રિયાઓની શુદ્ધિ જાળવવાના આગ્રહી હતા, તેમ મંત્રાલરો અને અન્ય પાઠો બોલવામાં પણ પૂરેપૂરી શુદ્ધિ સાચવતા હતા. કોઈક ધર્મક્રિયાના પ્રસંગે ભાવના સાથે અને પાઠશુદ્ધિપૂર્વક ઉચ્ચ સ્વરે મંત્રાલરો અને વિધિપાઠોનું ઉચ્ચારણ કરતા શ્રી ક્ષમાનંદજી મહારાજને સાંભળવા એ એક લ્હાવો હતો. વિધિવિધાનોની આ નિપુણતા અને ભક્તિપરાયણતાને કારણે તેઓ અંચલગચ્છ ઉપરાંત અન્ય ગચ્છોમાં પણ એક સિદ્ધહસ્ત વિધિકાર તરીકેની નામના મેળવી શક્યા હતા.
આમ છતાં શ્રી ક્ષમાનંદજી મહારાજની વિરલ વિશેષતા હતી તેઓની રાષ્ટ્રીય ભાવના અને સમાજસુધારાની ધગશ. શિક્ષણના પ્રસારની એમની તાલાવેલી પણ એવી જ ઉત્કટ અને સક્રિય હતી. ગાંધીયુગના ઊગમની સાથે જ તેઓ ગાંધીજી તરફ ખેંચાયા હતા. નાગપુર કોંગ્રેસમાં હાજરી આપીને તેઓ રાષ્ટ્રીયતાના રંગે એવા રંગાઈ ગયા હતા, કે શ્રી કલ્યાણચંદ્રજી બાપાની જેમ, કચ્છને રાષ્ટ્રીય પ્રવૃત્તિથી ધમધમતું કરવામાં, તિલકસ્વરાજ્ય-ફાળો એકત્ર કરવામાં અને ગાંધીજીનો સ્વરાજ્યનો મંત્ર કચ્છમાં ઠેર-ઠેર ગુંજતો કરવામાં તેઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સમાજની પ્રગતિની આડે આવે એવા રીતરિવાજો અને અજ્ઞાન-અંધશ્રદ્ધાની સામે પણ તેઓએ જનતાને જાગૃત કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો. તેઓએ પોતાના ગુરુવર્યની સ્મૃતિમાં ભુજપુરમાં સ્થાપેલ હાઈસ્કૂલ, બાલમંદિર, મહિલા-બાલ-કલ્યાણ કેન્દ્ર, ધુળિયામાં સ્થાપેલ કચ્છી દશા ઓસવાળ જૈન વિદ્યાર્થીગૃહ વગેરે સંસ્થાઓ તેમની શિક્ષણપ્રીતિની અને લોકકલ્યાણની ભાવનાની કીર્તિગાથા બની રહે એવી છે. એમ કહેવું જોઈએ કે શ્રી ક્ષમાનંદજી મહારાજ પ્રગતિશીલતાના ચાહક અને પ્રગતિનું રુંધન કરનારા જુનવાણીપણાના વિરોધી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org