________________
૧૮૧
આચાર્ય વિજયનંદનસૂરિજી
સાથે ધર્મશાસનનો નેજો ઊડતો રાખવાનું પુણ્યકાર્ય કર્યું છે. જૈનસંઘની આ સદીની કેટલી બધી ઘટનાઓ સાથે આ આચાર્યશ્રીનું નામ સંકળાયેલું છે !
પણ આવી ધર્મપ્રીતિ, શાસનભક્તિ અને પ્રભાવશીલતાનું વરદાન, વગર પ્રયત્ને કે આછાપાતળા પ્રયત્ને, રાતોરાત મળી જાય છે એમ રખે કોઈ માની • બેસે ! એ માટે તો જન્મ-જન્માંતરની અખંડ જીવનસાધનાની પણ જરૂર પડે.
તેઓનું જીવન એક બાજુ નિષ્ઠાભરી ધર્મક્રિયાઓથી સુરભિત બન્યું અને બીજી બાજુ સ્વ-પર-શાસ્ત્રોના જ્ઞાનથી આલોકિત બન્યું. જ્ઞાન-ક્રિયાની આ સાધનાની વચ્ચે પોતાના ગુરુવર્ય તથા દાદાગુરુની ભક્તિની જ્યોત તો અખંડપણે જળહળતી જ રહી; ઉપરાંત, અન્ય સાધુ-મુનિરાજોનાં વિનય-વૈયાવચ્ચ કરવાનો અવસર પણ તેઓ ન ચૂકતા. આ પ્રમાણે સ્વપુરુષાર્થથી જાગી ઊઠેલ આંતરિક શક્તિમાં પોતાના ગુરુશ્રી તથા દાદાગુરુ શાસનસમ્રાટની અસીમ કૃપા અને શુભેચ્છાનું બળ ઉમેરાયું. ‘નંદન’ તો જાણે પોતાના દાદાગુરુશ્રીના રોમરોમમાં વસી ગયા હતા. પોતાની નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિ અને ગુરુવર્યની અસીમ કૃપાનું જ આ સુપરિણામ છે, અને એનાં મીઠાં ફળ જૈન શાસનને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં મળતાં રહ્યાં છે. ઉંમરના વધવા સાથે કાયાની શક્તિ ઘટે એ તો સ્વાભાવિક છે. પણ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની શાસનદાઝ, કાર્યસૂઝ, વ્યવસ્થાશક્તિને ઉંમરના ઘસારા પહોંચ્યા નથી એની સાક્ષી, એમની આસપાસ મધપૂડાની જેમ ગુંજતી અનેક પ્રવૃત્તિઓ આપે છે.
એમણે કાઢી આપેલાં ધર્મકાર્યોનાં શુભ મુહૂર્તો એમના અંતરમાં વહેતી કલ્યાણબુદ્ધિ અને શુભનિષ્ઠાથી વિશેષ મંગલકારી બની જાય છે. તેથી જ તન અને મનને થકવી નાખે એટલા વ્યાપક પ્રમાણમાં જૈનસંઘના જુદા-જુદા ગચ્છો અને ફિરકાઓની વ્યક્તિઓ એમની પાસે મુહૂર્ત કાઢી આપવાની માંગણી કરે છે, અને એક ભાવનાશીલ સંઘનાયકને શોભે એ રીતે, તેઓ આવી માગણીને પૂરેપૂરો ન્યાય પણ આપે છે.
શીળી અને પ્રશાંત એમની તાકાત છે, અને જે કંઈ કરવું હોય તે વધુ બોલ્યા-ચાલ્યા વગર કે કોઈ પણ જાતનો આડંબર રચ્યા વગર, ચૂપચાપ કરી બતાવવાનો એમનો સ્વભાવ છે. જે કંઈ નિર્ણય કરવો હોય તે, જરા ય ઉતાવળ કર્યા વગર, પૂરેપૂરો વિચાર કરીને તેઓ કરે છે; અને એક વાર અમુક નિર્ણય લીધા પછી, ગમે તેવા ઝંઝાવાતની સામે પણ, અડોલ ખડા રહેવાનું એમનું ખમીર છે. વળી, વિવેકશીલતાની મર્યાદાને લોપ્યા વગર નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાને પોતાના જીવન સાથે વણી લેવાની એમની કળા અદ્ભુત છે. અને જેઓ તેઓને પરાયા માનતા હોય એમને પણ પોતાના બનાવી દે એવી કરુણાભરી હેતની સરવાણી એમના અંતરમાં નિરંતર વહેતી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૧૦-૧-૧૯૭૬)
www.jainelibrary.org