________________
૨૦૪
અમૃત સમીપે સમય સુધી એમણે ચારિત્રનું પાલન કર્યું હતું અને ૪ર વર્ષ જેટલા લાંબા અવધિ સુધી એમણે આચાર્યપદની જવાબદારીને નિભાવી જાણી હતી. ઉપરાંત, તેઓ જૈન આગમસૂત્રો અને આપણાં ધર્મશાસ્ત્રોના અભ્યાસી અને જ્યોતિષવિદ્યા – ખાસ કરીને મુહૂર્તશાસ્ત્ર અને પંચાગપદ્ધતિ – ના જાણકાર પણ હતા. શાંતિ અને સ્વસ્થતાપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહેવું એ એમનો સ્વભાવ હતો. આથી તેઓ હમેશાં આડંબરોથી અળગા રહેવાનું અને એકાંતમાં બેસીને આત્મચિંતન અને શાસ્ત્રોનું વાચન-મનન કસ્વાનું પસંદ કરતા હતા.
બીજાઓની નિંદા-કૂથલી કે પંચાતથી અળગા રહેવાની તેઓની ટેવ હતી. પ્રમાદને જીવનમાં પ્રવેશ મેળવવાની તક ન મળે એ માટે તેઓ ધર્મગ્રંથોનું નિરંતર વાચન કરતા રહેતા; અને વાણીવિલાસથી વેગળા રહીને જરૂર પૂરતું જ બોલતા. તેઓ સંઘ, ધર્મ કે સમાજને પરેશાન કરતા અટપટા પ્રશ્નોના હાર્દને સારી રીતે પામી શકતા હતા; એટલે ગંભીર અને વ્યવહારુ માર્ગદર્શન અને સલાહ-સૂચન આપી શકતા હતા. આમ કરવા છતાં, આવી બાબતોથી પોતાની જાતને અળગી રાખવાની એમની આવડત બધા સંયમસાધકો માટે અનુકરણીય બની રહે એવી હતી.
વળી કોઈ પણ વાત, વિચાર કે કાર્યથી ધર્મશાસનને થનાર લાભાલાભ કે નુકસાનને બરાબર પારખી જવાની એક કુશળ સંઘનાયકની ચતુરાઈ કે ચકોર દષ્ટિ પણ તેઓ ધરાવતા હતા.
તેમનું વતન સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વેરાવળ પાસે આવેલ નાનુંસરખું આદરી ગામ. પિતાનું નામ ઓધવજીભાઈ, માતાનું નામ દૂધીબહેન. વિ. સં. ૧૯૪૭ના કારતક વદિ સાતમના રોજ એમનો જન્મ. એમનું પોતાનું નામ મદનજી. કુટુંબ સુખી અને ધર્માનુરાગી હતું, એટલે મદનજીને નાનપણથી જ ધર્મના સંસ્કારો મળ્યા હતા. કુટુંબ મોટું હતું, છતાં એનો સંપ બીજાને માટે દાખલો લેવા જેવો હતો.
મદનજીએ આદરી, વેરાવળ અને માંગરોળમાં રહીને ગુજરાતી છ ચોપડી જેટલો અભ્યાસ પૂરો કર્યો. પછી તો, વાણિયાનો દિકરો મોટો થાય એટલે વેપાર કે નોકરી કરીને કમાણી કરવાના કામમાં લાગી જાય એ લોકમાન્યતા પ્રમાણે મદનજી પોતાનું ભાગ્ય ખીલવવા ૧૪ વર્ષની ઊછરતી ઉંમરે, વેરાવળથી દરિયામાર્ગે મુંબઈ પહોંચી ગયા. એ વખતે તો કુદરતના અકળ સંકેતને કોણ જાતું હતું?
મુંબઈમાં મદનજીને આચાર્યશ્રી વિજય મોહનસૂરિજીનો (તે વખતે મુનિરાજ શ્રી મોહનવિજયજીનો) સમાગમ થયો. મુનિવર્યનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org