________________
૨૨૮
અમૃત-સમીપે
વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક સંસ્કૃતભાષા, ન્યાયશાસ્ત્ર અને જૈન શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ૨૦-૨૧ વર્ષની ઊછરતી વયે તો માતા સરસ્વતી એમનાં ઉપર પૂર્ણ પ્રસન્ન થયાં. એમણે ‘ન્યાયતીર્થ'ની પરીક્ષા આપી, અને એમના દાર્શનિક જ્ઞાનથી આકર્ષાઈ વિદ્વાનોએ એમને ‘ન્યાયવિશારદ'ની પદવી આપી !
ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્રો અને બીજી વિદ્યાઓનું એમણે અધ્યયન કર્યું એ તો ખરું; પણ એમની સર્જક તરીકેની પ્રતિભા પ્રકાશી ઊઠી સંસ્કૃતભાષાના એક કવિ તરીકે. જેવી એમની પ્રકૃતિ મધુર અને હેતાળ, એવી જ એમની કવિતા રસઝરતી અને હૃદયસ્પર્શી; વાતવાતમાં એમના મુખમાંથી અને એમની કલમમાંથી, વિવિધ છંદોમાં, કવિતાનો અમૃતરસ રેલાવા લાગતો.
ખુમારી અને બેફિકરી એમનો જીવનરસ હતો, એટલે વ્યવહારુપણાનો અભાવ એમને ક્યારેય ખટકતો નહીં; ઊલટું એથી તો લોકો ઉપર વધારે પ્રભાવ પડતો. ઉપરાંત ક્રાંતિપ્રિય અને પ્રગતિવાંછુ એમની પ્રકૃતિ હતી. એટલે વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસને રૂંધે એવું બંધિયારપણું એમને મુદ્દલ રુચતું નહીં. આથી એમનામાં સામાજિક, રાષ્ટ્રીય અને માનવતાલક્ષી દૃષ્ટિનો વિકાસ થયો હતો, અને સ્ત્રી-પુરુષના સમાન વિકાસમાં જ સમાજ અને દેશનો વિકાસ રહેલો છે એવી એમની દૃઢ માન્યતા હતી.
એમનાં વ્યાખ્યાનોમાં અને એમણે સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત, હિંદી અને અંગ્રેજી ભાષામાં, ગદ્ય તેમ જ પદ્યમાં રચેલાં નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકોમાં સદા ય આત્મકલ્યાણ, લોકકલ્યાણ, સમાજઉત્કર્ષ, રાષ્ટ્રસેવા અને માનવતાનો મધુર અને પાવન સાદ જ રણક્યા કરતો હોય છે. પોતાના આનંદની ખાતર રચાયેલી આ કૃતિઓ માનવસમાજની બહુમૂલી સંપત્તિ તરીકે ચિરંજીવ બની ગઈ.
શાસ્ત્રોમાંથી સંકુચિતતા અને નિંદા-કૂથલીના કાંકરા ભેગા કરવાને બદલે વિશ્વમૈત્રી, ઉદારતા અને માનવતાનાં મોતી જ તેઓ સદા વીણતા અને જનસમૂહમાં વહેંચતા રહ્યા. દેશ-વિદેશના જુદા-જુદા ધર્મોનાં શાસ્ત્રોનું અધ્યયનઅવલોકન પણ એમણે આવી સારગ્રાહી દૃષ્ટિથી જ કર્યું છે.
સં. ૧૯૭૭માં તેઓએ ગુરુથી જુદું ચોમાસું કર્યું. ૧૯૭૮માં ગુરુદેવનો સ્વર્ગવાસ થયો. તેઓ કીર્તિ અને શિષ્યના મોહથી મુક્ત બનીને એક અલગારી ઓલિયાની જેમ ઠેર-ઠેર સાચા ધર્મનો અને માનવતાનો ઉપદેશ આપતા રહ્યા છે. છેલ્લાં ૨૫ વર્ષ પાટણ અને માંડળમાં જ વિતાવ્યાં. છેલ્લાં દસ વર્ષ તો શરીર જર્જરિત બનતાં સમતા, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક વૃદ્ધવાસરૂપે માંડળમાં જ રહ્યા. માંડળ-સંઘે પણ એમની છેવટ સુધી દિલ દઈને ભક્તિ કરી.
(તા. ૭-૩-૧૯૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org