________________
૨૧૪
અમૃત-સમીપે
તો એથી ય ઓછા નીકળે. અને છતાં આત્મસુખની પ્રાપ્તિ માટે આ સર્વનો ઉલ્લાસથી ત્યાગ કરનારા આવા નરવીરો પણ દુનિયાને સમયે-સમયે મળે છે.
એકાદ મહિના પહેલાં, ગત કારતક સુદિ ચોથના દિવસે જેઓનો સ્વર્ગવાસ થયો, તે આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરિજી આવા જ એક વિરલ આત્મસાધક હતા. તેઓએ સુખવૈભવનો અને વિપુલ ધનસંપત્તિનો સમજણપૂર્વક સહર્ષ ત્યાગ કર્યો હતો અને ભગવાન મહાવીરે ઉદ્બોધેલ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો હતો. ૩૮ વર્ષનું ગૃહસ્થ-જીવન અને ૪૬ વર્ષની અખંડ, અપ્રમત્ત સંયમયાત્રા એમ ૮૪ વર્ષ જેટલું દીર્ઘ જીવન ધર્મમય માર્ગે જીવીને એ ધર્માચાર્ય ધન્ય બની ગયા, એક ઉત્તમ આદર્શ દર્શાવતા ગયા. વિક્રમની વીસમી-એકવીસમી સદીમાં લક્ષ્મીનો ત્યાગ કરવામાં ધન્યતા અનુભવનાર વિરલ વ્યક્તિઓની નામાવલીમાં આ આચાર્યશ્રીનાં નામ અને કામ ચિરકાળ સુધી આગળ પડતાં અને યાદગાર રહેશે.
તેઓનું વતન અમદાવાદ, પિતાનું નામ લાલભાઈ, માતાનું નામ ગજરાબહેન. વિ.સં. ૧૯૪૪ના ચૈત્ર સુદિ તેરશે (મહાવીર જન્મના પર્વદિવસે) તેઓનો જન્મ; નામ જેશિંગભાઈ. કુટુંબ ગર્ભશ્રીમંત; એટલે જેશિંગભાઈ બચપણથી જ સુખ-સંપત્તિમાં ઊછર્યા હતા. પરંતુ સાથે-સાથે મળેલો ધર્મપરાયણ કુટુંબનો ધર્મસંસ્કા૨નો વારસો જ એમને માટે સમય જતાં ઉદ્ધારક બની ગયો; અને એમણે એ વારસાને સવાઈ રીતે શોભાવી જાણ્યો.
જેશિંગભાઈના વડવાઓની હીરાચંદ રતનચંદની કાપડની પેઢી અમદાવાદની એક આગળ પડતી અને જાણીતી પેઢી છે અને દેશાવરમાં પણ એની સારી નામના છે. મોટા ભાઈ ચીમનભાઈ અને જેશિંગભાઈ મળીને પેઢીનો વહીવટ બરાબર ચલાવતા; તેમાં ય જેશિંગભાઈનો પ્રભાવ બધા ઉપર વિશેષ પડતો. પરિવારમાં પુત્રોનું સુખ પણ એમને પ્રાપ્ત થયું હતું.
આ રીતે જેશિંગભાઈ પૈસેટકે અને કુટુંબ-પરિવારથી એમ દરેક રીતે સુખી હતા, અને પાંચમાં પૂછ્યા-ઠેકાણું લેખાતા. એમને દુનિયાનું એવું કોઈ દુ:ખ નહોતું સતાવતું કે જેથી સંસાર ખારો લાગે અને મન વૈરાગ્ય તરફ વળે. અને છતાં મનમાં સંઘરાયેલો ધર્માનુરાગ ક્યારે-ક્યારેક કંઈક જુદી જ ઝંખના જગાવી જતો. એવે વખતે એમનું અંતર તીર્થંકરના ત્યાગમાર્ગ માટે તડપતું.
ત્યાગમાર્ગ માટેની આવી જ અદમ્ય તાલાવેલીથી પ્રેરાઈને, ૩૮ વર્ષની યુવાન વયે બધી સાહ્યબી પરિહરીને જેશિંગભાઈએ દીક્ષાનો સંકલ્પ કર્યો, અને વિ. સં. ૧૯૮૨ના ફાગણ સુદિ બીજના દિવસે, જૈનપુરી અમદાવાદમાં, આચાર્યશ્રી વિજયદાનસૂરિજી મહારાજના હાથે, આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના (તે વખતે મુનિશ્રી રામવિજયજીના) શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. લોકોમાં તેઓ ‘મુનિ જસવિજયજી’ તરીકે વિશેષ જાણીતા થયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org