________________
ઉપાધ્યાય યશોવિજયજી
૨૧૭
દિલને પણ ડોલાવે એવી એમની સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓ આજે પણ આપણા સાહિત્યમાં સીમાસ્તંભરૂપ ગણાય એવી છે. શું વ્યાકરણશાસ્ત્ર કે શું ન્યાયશાસ્ત્ર, શું કાવ્યશાસ્ત્ર કે શું છન્દ:શાસ્ત્ર, શું અલંકારશાસ્ત્ર કે શું તત્ત્વવિદ્યા આ બધી ય શાખાઓનું ખેડાણ એમણે સિદ્ધહસ્ત વિદ્વાન્ તરીકે કર્યું છે, અને આ દરેક વિષય ઉપર મૌલિકતાની મહોર મારી શકાય એવાં બહુમૂલાં ગ્રંથરત્નો એમણે આપણને ભેટ આપ્યાં છે. એમનો આ ઉપકાર આપણે કદી પણ ભૂલી શકીએ નહીં. વળી જૈન સાહિત્યમાં નવ્યન્યાયની પદ્ધતિના ગ્રંથોનો ઉમેરો કરનાર તરીકે તો તેઓ તેના આદ્યપુરૂષ તરીકેનું જ બહુમાન પામી જાય છે. આમિક સાહિત્યમાં પણ પોતાનો ફાળો આપવામાં આ મહાપુરુષ પાછળ રહ્યા નથી. આગમિક વિષયોની એમની છણાવટો આજે પણ નૂતન લાગે એવી ઊંડી અને સર્વસ્પર્શી છે. વળી આમિક વિષયો કે અન્ય વિદ્યાઓ જેને માટે છે અને જેને લઈને ઉત્કર્ષ પામે છે, એ આત્માને એટલે કે આધ્યાત્મિક વિષયને પણ એમણે વિસાર્યો નથી.
અને આટલું જ શા માટે ? વિદ્વાનો, તત્ત્વજિજ્ઞાસુઓ અને આત્મશાસ્ત્રના જાણનારાઓને માટે જેમ એમણે શાસ્ત્રભાષા સંસ્કૃત-પ્રાકૃતમાં રચેલા અપૂર્વ ગ્રંથમણિઓ આપ્યા, એની સાથેસાથે સામાન્ય જનસમૂહને પણ એમના અંતરમાં ભારે મહત્ત્વનું સ્થાન મળ્યું. એમણે ગુજરાતી અને મારવાડી-હિન્દી ભાષામાં પણ પોતાની જ્ઞાનગંગાને ધારાવાહી રીતે વહેતી મૂકીને આમ-જનતાને માટે પણ એ જ્ઞાનગંગામાં સ્નાન કરીને પાવન થવાનું સરળ બનાવી મૂક્યું.
મહોપાધ્યાયજીની સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલી શાસ્ત્રીય કૃતિઓની વાત તો દૂર રહી, લોકભાષામાં ગૂંથાયેલી એમની કવિતાકૃતિઓ પણ કેવી મનમોહક, હૃદયંગમ હોવાની સાથોસાથ તત્ત્વસ્પર્શી અને જીવનસ્પર્શી છે ! મહોપાધ્યાયજીની એકાદ નાની કે મોટી કાવ્યકૃતિ ગાઈએ કે ગવાતી સાંભળીએ ત્યારે ગીત અને ભાવના રસમાં આપણું અંતર તરબોળ થઈ જાય છે, અને કોઈ ઉચ્ચ ભૂમિકામાં વિહરતા હોઈએ એવો દિવ્ય આનંદ અનુભવીએ છીએ. કાવ્યકૃતિમાંનો આ ચમત્કાર એ શબ્દોની ખૂબીરૂપ નહીં, પણ એની પાછળ એ કવિના અનુભવનો રણકો અને એમનું ધબકતું જીવન છે એનું પરિણામ છે.
આપણે જાણીએ છીએ કે મહોપાધ્યાયજીના પ્રખર પાંડિત્યથી પ્રેરાઈને તેમના નામ સાથે ‘મૂછાળી સરસ્વતી' (ર્વાંતસરસ્વતી), ‘હરિભદ્રલઘુબાંધવ’ અને ‘દ્વિતીયહેમચંદ્ર' જેવાં બહુ મોટાં બિરુદો લગાવવામાં આવ્યાં છે. ‘ન્યાયવિશારદ’ અને ‘તાર્કિક’ તરીકે તો તેઓ પોતાના સમકાલીનોમાં પણ વિશ્રુત બની ચૂક્યા
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org