________________
૨૨૪
અમૃત-સમીપે
શોભાયમાન બની હતી અને તેઓની વિદ્વત્તા સાધુતાના પારસ-સ્પર્શથી વિશેષ કલ્યાણકારી બની હતી, અને વળી આ સુભગ સમન્વયને લીધે તેઓનું જીવન પ્રભાવશાળી અને ઉચ્ચાશયી બન્યું હતું.
- શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોવલ વ્યક્તિત્વનો વિચાર કરીએ છીએ અને એક શ્રમણ શ્રેષ્ઠની ભવ્ય છબીનાં મંગલકારી દર્શન થાય છે. ન કોઈની નિંદામાં પડવાનું, ન કોઈના પ્રત્યે દ્વેષ ધરવાનો, ન કોઈની ઈર્ષ્યા-કરવાની, અહંકારથી સદા ય દૂર રહેવાનું, કીર્તિનો મોહ અંતરને રંક બનાવી ન જાય એની, તેમ જ વિનય-વિવેકમાં ક્યારેય ખામી આવવા ન પામે એની સતત જાગૃતિ રાખવાની; નાના કે મોટા, ભણેલા કે અભણ, પાપી કે પુણ્યવંત, સાધુ કે ગૃહસ્થ, શ્રીમંત કે ગરીબ, સ્ત્રી કે પુરુષ સૌ પ્રત્યે સમાન હેત અને આદર દર્શાવવાનાં; પ્રશંસાથી ન કદી ફુલાઈ જવાનું કે નિંદાથી ન ક્યારેય વિલાઈ જવાનું; ધર્મજીવન કે સાધુજીવનના પાયારૂપ નિર્દભવૃત્તિનું જતન કરીને છળ-પ્રપંચ કે માયાભાવથી સદા ય અલિપ્ત રહેવાનું, કોઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ, દીનદુઃખી પ્રત્યે અપાર અને સક્રિય કરુણા, ઋણસ્વીકારની તત્પરતા : આવા-આવા અનેક ગુણોની વિભૂતિને લીધે તેઓનું જીવન પવિત્ર બન્યું હતું.
તેઓનું જીવન તિતિક્ષાને વરેલા એક ધર્મગુરુનું જીવન હોવા છતાં ઉદાસીનતા એમની પ્રસન્નતાને જરા પણ ઓછી કરી શક્યાં ન હતાં. ઘરના કે બહારના ગમે તેવા ગંભીર પ્રશ્નો સામે હોય, પરિસ્થિતિ ઘેરી ચિંતા કરાવે એવી હોય કે શરીર અસ્વસ્થ બન્યું હોય, છતાં તેમની પ્રસન્નતા ભાગ્યે જ ખંડિત થતી. જેઓએ મહારાજશ્રીની હાસ્યઉલ્લાસ વેરતી પ્રસન્નતાનો થોડો પણ અનુભવ કર્યો હશે તેઓ એને ક્યારેય વિસરી નહીં શકે.
વળી, તેઓ વિચક્ષણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ઊંડા જાણકાર અને સમયના પ્રવાહોની સારી રીતે પિછાણનાર હતા. એટલે કંઈક સાધુ-સાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓને માટે તેઓ શિરછત્રરૂપ હતા. તેઓના ધીર અને સાગરગંભીર હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓનાં દુઃખ અને વેદના સમાયાં હતાં અને કેટકેટલી વ્યક્તિઓ એમની પાસેથી આશ્વાસન પામતી રહેતી હતી ! તેઓની સંવેદનશીલતા, હિતચિંતા અને સાચી-શાણી સલાહ અનેક ચિંતાગ્રસ્ત અને દુઃખી વ્યક્તિઓને માટે દુઃખનિવારણની સંજીવનીની ગરજ સારતી. કોઈ પણ સમુદાયના સાધ્વીજી પ્રત્યેની તેઓની લાગણી તો દાખલારૂપ બની રહે એવી હતી. અનેક સાધ્વીઓને માટે તેઓ ધર્મગુરુ હોવાની સાથે સાથે ધર્મપિતા રૂપ હતા. મહારાજશ્રી પાસે પ્રાચીન હસ્તપ્રતો, કળાના ઉત્તમ નમૂનાઓ અને બીજી સામગ્રીનો જે વિપુલ અને કીમતી સંગ્રહ થઈ શક્યો હતો તેમાં મહારાજશ્રીની સાધ્વી-ભગિનીઓએ ગુરુભક્તિ નિમિત્તે મોકલેલ સામગ્રીનો હિસ્સો પણ નોંધપાત્ર ગણી શકાય એવો છે. મહારાજશ્રી પ્રત્યે આદર-ભક્તિ ધરાવનાર આ સાધ્વીવર્ગ આજે જે ઊંડું દુઃખ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org