________________
આચાર્ય વિજયજંબૂસૂરિજી
૨૦૭
ધર્મવાણીને ભક્તિઆદરપૂર્વક ઝીલતાં ખુશાલચંદે ગમે તે ભોગે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો.
અને, સાચે જ, પોતાના આ મનોરથને સફળ કરવા માટે ખુશાલચંદે જીવનનું નખ-શિખ પરિવર્તન કરી નાખે એવું સાહસ ખેડ્યું : ફક્ત ૨૩-૨૪ વર્ષની ભરયુવાન વયે, પોતાની પત્ની અને પોતાના પરિવારના સ્નેહબંધનને વિસારે મૂકીને, સોનું ખરીદવાનું બહાનું બતાવીને, ખુશાલચંદ ઘર છોડીને સદાને માટે એવા ચાલતા થયા કે વહેલું આવે રાજસ્થાનનું સિરોહી ગામ ! દીક્ષાથી દૂર રહેવાનું એમના માટે એવું વસમું બની ગયું કે ગુરુનો આશ્રય લેવા માટે પણ થોભ્યા વગર, એમણે પોતાના હાથે જ સાધુનો વેશ ધારણ કરી લીધો, અને પછી પહોંચ્યા રાજસ્થાનમાં જ ગોહિલ નામના ગામે પંન્યાસ શ્રી દાનવિજયજી પાસે. પંન્યાસજીએ એમને વિ.સં. ૧૯૭૮ના અષાઢ સુદિ ૧૧ના રોજ દીક્ષા આપીને એમને મુનિરાજ શ્રી પ્રેમવિજયજી(આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી)ના શિષ્ય બનાવ્યા. લગ્ન કરેલ હોવા છતાં પોતાના હાથે સાધુવેશનો સ્વીકાર કરીને પછીથી ગુરુની નિશ્રા મેળવનાર આ આચાર્યશ્રીના જીવનની ઘટના તપગચ્છના આ યુગના સંધસ્થવિર શ્રી બાપજી મહારાજ(આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી)ના સંસારત્યાગની આવી જ ઘટનાનું સ્મરણ કરાવી જાય છે.
મુનિશ્રી જંબૂવિજયજી પોતાના સર્વ યોગથી સંયમની વિશુદ્ધ આરાધનામાં દત્તચિત્ત બની ગયા. એક બાજુ ધર્મક્રિયાઓનું પાલન કરવાનો પુરુષાર્થ, બીજી બાજુ ધર્મશાસ્ત્રોના અધ્યયન દ્વારા સંયમની આરાધના વધુ તેજસ્વી બનાવવાનો પ્રયત્ન અને ત્રીજી બાજુ વિનય-વિનમ્રતાભરી ભક્તિ દ્વારા ગુરુની કૃપા મેળવવાનો સતત જાગૃત પ્રયાસ ચાલ્યા.
વિ. સં. ૧૯૯૦માં એમને અમદાવાદમાં પંન્યાસપદ મળ્યું, વિ. સં. ૧૯૯૨માં મુંબઈમાં તેઓને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને વિ. સં. ૧૯૯૯માં અમદાવાદમાં એમને આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા.
ધર્મશાસ્ત્રોનું પરિશીલન તથા અધ્યાપન એ જેમ એમની અપ્રમત્ત સંયમઆરાધનાનો નિત્યક્રમ હતો, તેમ અનેક પ્રાચીન ધર્મગ્રંથોનું સંશોધન તથા ગુજરાતી ભાષામાં દોહન એ એમનું સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર અર્પણ છે. આ બીના જેમ તેઓની શ્રુતોપાસનાની સાક્ષી પૂરે છે, તેમ એમની જન્મભૂમિ ડભોઈ શહે૨માં એમની તમન્ના, ધગશ અને પ્રેરણાથી સ્થપાયેલ ‘આર્ય જંબુસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર' તેઓની અવિચલ શ્રુતભક્તિની કાયમને માટે કીર્તિગાથા બની રહે એવું છે. આ જ્ઞાનમંદિરમાં તેઓશ્રીની પ્રેરણાથી એકત્રિત થયેલ સચિત્ર તેમ જ સાદી હસ્તપ્રતો તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ જેમ વિપુલ છે તેમ કળા અને ગુણવત્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org