________________
આચાર્ય વિજયભદ્રસૂરિજી
૧૯૭
જૈનધર્મનગરી ગણાતું રાધનપુર તેઓશ્રીનું વતન. જિનમંદિરો અને ધર્મસ્થાનોથી શોભાયમાન આ નગરીનાં સંખ્યાબંધ ભાઈ-બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને એના ગૌરવમાં વધારો કર્યો છે.
આ નગરનાં સુપ્રસિદ્ધ મસાલિયા કુટુંબમાં તેમનો જન્મ. ઇતિહાસમાં તો એક કથા એવી પણ સચવાયેલી છે કે ચાર-પાંચ સૈકા પહેલાં કેટલાક વખત માટે, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ રાધનપુરનું મસાલિયા કુટુંબ સંભાળતું હતું. રાધનપુરની નગરશેઠાઈ પણ આ જ કુટુંબમાં હતી.
આવા કુટુંબમાં, વિ. સં. ૧૯૩૦ના વૈશાખ શુદિ છઠ્ઠના રોજ આચાર્યશ્રીનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ઉગરચંદભાઈ, માતાનું નામ શ્રી સૂરજબહેન; એમનું પોતાનું નામ ભોગીલાલ. છ ભાઈઓમાં ભોગીલાલ પાંચમા. ઉંમર તો નાની હતી, પણ “પુત્રનાં લક્ષણ પારણામાંથી”, એ ઉક્તિ પ્રમાણે, ભોગીલાલમાં ધાર્મિક વિધિવિધાનો પ્રત્યે બચપણથી જ અનુરાગ હતો. ઉપરાંત પોતાના મધુર, સરળ, મિલનસાર પરગજુ, સ્વભાવથી તેઓએ સૌનાં મન જીતી લીધાં હતાં. ભોગીલાલ ઊગતી ઉંમરથી જ પોતાનું ઉજ્જ્વળ ભાવિ સૂચવતા હતા.
ભોગીલાલને દુન્યવી સુખોની પાછળ છુપાયેલી દુઃખોની પરંપરાનો કડવો અનુભવ કુદરત જાણે નાનપણથી જ કરાવવા માંગતી હોય એમ, માત્ર છ વર્ષની જ ઉંમરે માતાની હૂંફાળી-શીળી છાયા હરાઈ ગઈ, અને બાર વર્ષની ઉંમરે પહોંચતાં-પહોંચતાં તો કુટુંબના આધારસ્તંભ રૂપ પિતાજીનું જીવન પણ સંકેલાઈ ગયું ! ભોગીલાલનું અંતર સૂનકાર અને એકલતા અનુભવી રહ્યું. પણ કુટુંબના વડીલોએ આવા દુઃખના વખતે ભોગીલાલ પ્રત્યે મમતા દાખવીને એમને સાચો સહારો આપ્યો. આવા વડીલોની આજ્ઞા માથે ચડાવીને, એમને રાજી રાખવા, મનના વૈરાગી ભોગીલાલે, શ્રી જયકોરબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને, પોતાનો સંસાર શરૂ કર્યો.
પણ, સંસારવાસી ભોગીલાલનું ચિત્ત તો સાંસારિક બાબતોમાં સદા ય જળકમળની જેમ અલિપ્ત જ રહેતું હતું. એમને સંસારના સુખોપભોગમાં ભાગ્યે જ રસ પડતો, અને સંસારના વ્યવહારો, વેપાર-વણજ જેવી બાબતોથી અળગા રહેવાનો જ તેઓ પ્રયાસ કરતા.
પણ “ઉતાવળે આંબા ન પાકે” એવી સમજથી ભોગીલાલ પક્વ સમયની રાહ જોતા રહ્યા અને પોતાને દીક્ષાની અનુમતિ આપવા કુટુંબને સમજાવતા રહ્યા; પણ એનું ધાર્યું પરિણામ ન આવ્યું, અને ઉંમર તો સત્તાવીશમા વર્ષના સીમાડે પહોંચી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org