________________
આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી
સિંહસૂરિ ૧૧૬ વર્ષ, નાગાર્જુન ૧૧૧ વર્ષ, ભૂતિદિન ૧૧૯ વર્ષ, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, ઉમાસ્વાતિવાચક ૧૧૦ વર્ષ, વિનયમિત્ર ૧૧૫ વર્ષ.
ઉપર જણાવેલ શ્રમણોમાં એવા પણ છે કે જેમનો દીક્ષાપર્યાય ચાર વીસી કરતાં પણ લાંબો હોય; જેમ કે આર્ય સુંદિલ ૮૪ વર્ષ, રેવતિમિત્ર (?) ૮૪ વર્ષ, ધર્મસૂરિ ૮૪ કે ૮૮ વર્ષ, વજસ્વામી ૮૦ વર્ષ, વયરસેન ૧૧૯ વર્ષ, નાગહસ્તિ ૯૭ વર્ષ, રેવતિમિત્ર ૮૯ વર્ષ, સિંહસૂરિ ૯૮ વર્ષ, નાગાર્જુન ૯૭ વર્ષ, ભૂતદિન ૧૦૧ વર્ષ, ધર્મઘોષ ૮૯ વર્ષ, વિનયમિત્ર ૧૦૫ વર્ષ.
૧૮૭
સ્વર્ગસ્થ આચાર્ય-મહારાજ પણ ૧૦૪ વર્ષેનું આયુષ્ય ધરાવનાર અને ૯૧ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવનાર હોઈ આવા પૂર્વપુરુષોની હરોળમાં બેસી શકે એવા હતા. એમની ઉગ્ર, દીર્ઘ, અવિચ્છિન્ન તપસ્યાની દૃષ્ટિએ તો કદાચ ૧૦૪ વર્ષની અતિવૃદ્ધ ઉંમરે પણ, જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર તેઓ અદ્વિતીય જ હશે.
આચાર્યનો જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદિ ૧૫ના (રક્ષાબંધનના) દિને એમના મોસાળ વળાદમાં થયો હતો. એમનું વતન અમદાવાદમાં ખેતરપાળની પોળમાં. અત્યારે પણ એમના કુટુંબીઓ ત્યાં રહે છે. એમના પિતાશ્રીનું નામ મનસુખલાલ, માતુશ્રી ઊજમબાઈ; બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનોમાં સારા સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં. એમને છ પુત્રો અને એક પુત્રી. એમાં આચાર્ય-મહારાજ સૌથી નાના પુત્ર; નામ ચુનીલાલ.
ચુનીલાલે અભ્યાસ પૂરો કર્યો અને પિતા તથા ભાઈઓના કામમાં તેઓ મદદગાર થવા લાગ્યા. કોઈ પણ કામમાં એમની નજ૨ પણ એવી પહોંચે, કામ કરવાની ખંત પણ એટલી અને જે કામ લે એમાં પૂરેપૂરો જીવ પણ એવો પરોવી દે કે કામમાં ધારી સફળતા મળ્યા વગર ન રહે. જે કામચોર ન હોય એને લોકો હોંશેહોંશે બોલાવે અને ચાહે.
નવાઈની વાત એ કે ચુનીલાલ કોઈ પણ કામમાં આવા ઓતપ્રોત બની જાય, પણ એમનો અંતરંગ રસ તો વૈરાગ્યનો જ. ઘ૨નું અને બહારનું બધું ય કામ કરે, પણ સદા જળકમળની જેમ નિર્લેપ જ. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પુરવાર થતી અને એનાથી અલિપ્ત રહેવામાં એમને વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્યભાવનાની ફૂલગૂંથણી થયેલી હતી. પરિણામે કોઈ પણ કાર્ય કર્યાનું ન તો એમને અભિમાન થતું કે ન તો કોઈની પ્રશંસા સાંભળીને તેઓ ફુલાઈ જતા. મનને સમતાનો પાઠ જાણે એમણે ઘરમાંથી જ શીખવવા માંડ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org